- કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
- કપડાંના વેપારીઓ અને મોબાઇલ વેપારીઓ નારાજ જોવા મળ્યા
- વહેલી સવારથી જ અનેક બજારોમાં દુકાનો બંધ જોવા મળી
વલસાડ: શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે વેપારીઓએ કલેક્ટર સાથે મિટિંગ યોજીને મંગળવારથી 10 દિવસ માટે વલસાડ શહેરમાં સ્વૈછિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વલસાડ સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, એમ.જી.રોડ, બેચર રોડ, એસ.ટી. ડેપોની સામે હાલર રોડ, શાકભાજી માર્કેટ, ખત્રીવાડા, મોટા ટાઈવાડ સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ જોવા મળી હતી.
વલસાડમાં મંગળવારથી શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ અમુક વિસ્તારો સજ્જડ બંધ, તો અમુક વિસ્તારોને આંશિક છૂટ
વલસાડના છીપવાડ તેમજ દાણા બજારમાં દુકાનો સવારે ૮થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો. મંગળવારે સવારથી જ તમામ દુકાનો બંધ જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં દુકાનધારકો એકબીજાની રાહ જોઈને બેઠા હતા કે, કોણ પહેલા દુકાન ખોલે? મોબાઈલ દુકાનદારોએ જણાવ્યું હતું કે, જે રીતે વલસાડ દાણા બજારના વેપારીઓને કલેક્ટરે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી દુકાન ખોલવાની પરવાનગી આપી છે. તે જ રીતે મોબાઇલ દુકાનદારો અને કપડાના દુકાનદારોને પણ પરવાનગી આપે. જેથી લોકોનું દુકાનનું ભાડું અને સ્ટાફના પગાર નીકળી શકે.