વાપી :- વાપીમાં ચોમાસા દરમિયાન સરેરાશ 100થી વધુ ઇંચ વરસાદ વરસે છે. દર વર્ષે આ અતિમાત્રાના વરસાદમાં માર્ગોનું ધોવાણ થતું આવ્યું છે. એમાંય ગત વર્ષે 140 ઇંચ આસપાસ વરસાદ વરસ્યા બાદ સ્થિતિ વધુ બદતર બની હતી. અને એવા જ ખાડામાર્ગ પરથી પસાર થઈ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા પ્રધાન રમણ પાટકર અને ધારાસભ્ય કનું દેસાઈએ વચન આપ્યું હતું કે દર વર્ષે જે મુખ્ય માર્ગો પર ખાડા પડે છે. તેવા માર્ગોને સિમેન્ટ કોન્ક્રીટના બનાવીને આ સમસ્યાનું કાયમી નિરિકારણ લાવવામાં આવશે. જો કે તે બાદ સિમેન્ટ કોન્ક્રીટના માર્ગો તો બન્યા નહીં અને લોકોએ આ વખતે ફરી 40 ટકા જેટલા વરસાદમાં જ મુખ્ય માર્ગો પરના મસમોટા ખાડામાંથી પસાર થવાની અને કમરના દુખાવા નફામાં મેળવવાની નોબત આવી છે.
વાપીમાં સિમેન્ટ કોન્ક્રીટના રોડનું પ્રધાનનું વચન ફરી એકવાર ખાડામાં ગયું, 40 ટકા વરસાદમાં માર્ગો બિસ્માર
વાપીમાં વર્ષોથી ચોમાસામાં માર્ગો પર ખાડા પડવા માટે નેતાઓ વરસાદને વિલન ચીતરતાં આવ્યાં છે. પરંતુ આ વખતે માત્ર 40 ટકા વરસાદમાં જ તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થઈ જતા અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. આ લોકોના પાપે વાપીમાં રોજના 1 લાખ લીટર ડીઝલનો ધુમાડો થાય છે. સમયનો વેડફાટ થાય છે. ને સાથે કમરના દુઃખાવા, હાડકા ભાંગવા નફામાં મળી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ બિસ્માર માર્ગ અંગે ETV ભારતે ગત વર્ષે સિમેન્ટ કોન્ક્રીટના માર્ગનું વચન આપનાર વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ રસ્તા અંગે સિમેન્ટ કોન્ક્રીટનો માર્ગ બનાવવાની પ્રક્રિયા થઈ ચૂકી છે, પરંતુ હાલ ચોમાસુ હોઈ દrવાળી બાદ આ માર્ગ સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે.
તો, નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જીનીયર નવનીત પટેલે પણ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ માર્ગને CC રોડ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જે દીવાળી બાદ શરૂ થશે. હાલમાં લોકોને પડતી મુશ્કેલી નિવારવા માર્ગના ખાડાઓમાં પુરાણ કામગીરી હાથ ધરવામાં આવી છે.