વલસાડ : 71માં વન મહોત્સવના ભાગરૂપે વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. વાપી તાલુકાના ગામોમાં રોપાના વિતરણ માટેના વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
રાજ્યપ્રધાન રમણ પાટકરના હસ્તે વાપી તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી કરાઈ આ અવસરે રાજ્ય વન પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમનો હેતુ લોકોમાં વૃક્ષોની મહત્તા વિષે જાગૃતિ કેળવવાનો છે. વૃક્ષો એ આપણા જીવન સાથે જોડાયેલી અતિ મહત્ત્વની બાબત છે. જન્મથી લઇ મૃત્યુ સુધી અનેક પ્રસંગોમાં વૃક્ષો ઉપયોગમાં આવે છે. વધુ વૃક્ષો હશે તો જ આપણે તંદુરસ્ત જીવન જીવી શકીશું. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, કોરોનાની બિમારીમાં પણ ઓક્સિજનની વધુ જરૂર પડે છે, ત્યારે દરેક વ્યક્તિ વૃક્ષો વાવી તેનું જતન કરે તે જરૂરી છે. વન વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે, જેનો લાભ લેવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વનની સાથે પર્યાવરણના રક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ઔદ્યોગિકરણની સાથે વન વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વધારો થયો છે. કોરોના કાળમાં રક્ષણ મેળવવા માટે વન ઔષધિઓ કામ આવી છે, ત્યારે સૌએ વૃક્ષોનું મહત્ત્વ સમજી મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવું જોઇએ.આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ.બી.સૂચિન્દ્રા, RFO કે.એન.પટેલ, પ્રાંત અધિકારી સી.પી.પટેલ, નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, RFO વાપી સી.આર.પટેલ, નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ, નગરજનો, વન વિભાગના કર્મીઓ, શાળા પરિવાર હાજર રહ્યા હતા.