વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે બ્રિટીશ શાસન સમયના ફોરેસ્ટ થાણાનું 12 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યુ છે. જેનું મંગળવારે આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ વન સહભાગી મંડળીઓને 6500 જેટલી આંબા અને કાજુની કલમોનું વિતરણ કરાયું હતું.
વન વિભાગના રાજયપ્રધાન રમણલાલ પાટકરે સંજાણ ખાતે ફોરેસ્ટ થાણાનું લોકાર્પણ કર્યુ - વલસાડ ન્યુઝ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે બ્રિટીશ શાસન સમયના ફોરેસ્ટ થાણાનું 12 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યુ છે. જેનું મંગળવારે આદિજાતિ વિકાસ અને વન વિભાગના રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, અધિકારીઓની દીર્ઘદૃષ્ટિ હોય તો વધુ સારી કામગીરી થઇ શકે છે, આ ફોરેસ્ટ થાણાનું રીનોવેશન ઉત્તમ ઉદાહરણ છે. વનવિભાગની સહકારી મંડળીઓને આંબા અને કાજુની કલમો આપી વાડી પ્રોજેકટને વધુ અસરકારક બનાવવોનો પ્રયાસ કરાયો છે. આ વાડી યોજના થકી ખેડૂતો આર્થિક રીતે પગભર થયા છે. વન વિસ્તારને સાચવવાની જવાબદારી વન વિભાગની સાથે સહકારી મંડળીઓએ પણ સારી રીતે નિભાવવાને કારણે આજે દક્ષિણ ગુજરાતમાં વન વિસ્તારમાં વધારો થવાની સાથે વનો સુરક્ષિત પણ બન્યા છે. આદિવાસી ક્ષેત્રમાં વન સહભાગી યોજનાના સુંદર પરિણામો મળ્યા છે. તેમજ દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.
આ અવસરે રાજ્યપ્રધાને વયનિવૃત્ત થતા નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલને શુભકામનાઓ પાઠવી હતી. તો, મુખ્ય વન સંરક્ષક એસ.મનીશ્વર રાજા, નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.