ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં મીની ઓલિમ્પિકનું આયોજન કરાયું - મીની ઓલિમ્પિક ન્યૂઝ

વાપીની શ્રી વિદ્યા નિકેતન સ્કૂલ દ્વારા મીની ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીની ઓલમ્પિકમાં 30 જેટલી શાળાના 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

vapi
વાપી

By

Published : Feb 9, 2020, 5:11 PM IST

વલસાડ: રવિવારે વાપીમાં આવેલ રોફેલ કોલેજનું ગ્રાઉન્ડ બાળકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. 30 જેટલી શાળાના એક હજાર બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લઇ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. વાપી રોફેલ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ પર શ્રી વિદ્યા નિકેતન સ્કૂલ દ્વારા મીની ઓલમ્પિક ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાપીમાં મીની ઓલિમ્પિકનું આયોજન કરાયું

આ આયોજન અંગે પ્રિન્સિપાલ મિત્તલ ડાકડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી તેઓ વાપીની વિવિધ સ્કૂલો સાથે મીની ઓલમ્પિકનું આયોજન કરે છે. વાપી અને ગુજરાતના બાળકો રમત-ગમતમાં આગળ વધે. ભારતમાં જ વર્ષો પહેલા જે રમતો પ્રચલિત હતી. તે ભુલાયેલી રમતોનો આનંદ ઉઠાવી શકે, મોબાઈલ-ટીવીની ડિજિટલ દુનિયામાં ખોવાયેલા બાળકો તેમાંથી બહાર આવી રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરી શકે તે ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું હતું.

રોફેલ કોલેજના ગ્રાઉન્ડ પર આયોજિત આ મીની ઓલિમ્પિક્સમાં કબડી, ખો-ખો, સ્લો સાઇકલ રેસ, રસ્સા ખેંચ, કોથળા દોડ, કેરમ, સો મીટર દોડ, ટાયર રેસ જેવી અને આજના સમયમાં ભુલાયેલી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પોતાની પ્રતિભાના દેખાડી હતી. ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રમતોત્સવમાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ સ્કૂલના આયોજનને બિરદાવ્યું હતું. સ્કૂલ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતી રહે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શાળા દ્વારા આયોજિત મીની ઓલમ્પિકમાં મોટા ભાગની રમતો ગલીમાં રમાતી રમતો હતી. જે એક સમયે ભારતના ગામડામાં અને શહેરની ગલીઓમાં રમાતી હતી. પરંતુ, આજે બદલાયેલા સમય મુજબ આ રમતો સાવ ભુલાઈ ગઈ છે. ત્યારે આવી રમતોમાં બાળકો ફરી રમતા થાય પોતાના શારીરિક સ્વાસ્થ્યને જાળવી શકે તે ખૂબ જ સરાહનીય છે. મીની ઓલિમ્પિક રમતોત્સવમાં ઉપસ્થિત તમામ બાળકોને સર્ટીફીકેટ સાથે પૌષ્ટિક આહાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details