- 6 માસ બાદ સામાન્ય સભાનું આયોજન કરાયું
- વોર્ડમાં અનેક તકલીફો ઊભી થઇ
- સત્તા પક્ષના સભ્યોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી
વલસાડ : વાપી નગરપાલિકા 6 મહિનામાં બાદ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં સત્તા પક્ષના સભ્યો વિકાસના વિવિધ કામોને લઈ પ્રમુખ અને ચીફ ઓફિસર પર પસ્તાળ પાડી હતી.
સત્તા પક્ષના સભ્યોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી 6 માસ બાદ સામાન્ય સભાનું આયોજન
સામાન્ય સભામાં મંજૂર થયેલા ઠરાવ અને સભ્યોની આવેલી માગ અંગે પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે 6 માસ બાદ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 માસ જેવા લાંબા સમયગાળાને કારણે વોર્ડમાં અનેક તકલીફો ઊભી થઇ છે, જે અંગે સત્તા પક્ષના સભ્યોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી.
6 માસ બાદ સામાન્ય સભાનું આયોજન કરાયું દરેક વોર્ડમાં સ્ટ્રીટ લાઈટની મુખ્ય સમસ્યા
આ સામાન્ય સભામાં દરેક વોર્ડમાં સ્ટ્રીટ લાઈટની મુખ્ય સમસ્યા હોય તેનું નિવારણ લાવવા તાકીદ કરી હતી. પ્રમુખે જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટ સંદર્ભે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપાવામાં આવ્યું છે, તેનાથી અમને અસંતોષ છે. જેને ધ્યાને રાખી પાલિકા પોતાના કોન્ટ્રાક્ટરો પાસે રિપેરીંગના કામ કરાવી રહી છે, પરંતુ સામાન જે તે મુખ્ય કોન્ટ્રાક્ટર પાસેથી જ આવતો હોય લાઈટની સમસ્યા નડી રહી છે.
પાણી, રસ્તાની સમસ્યા અંગે પણ રજૂઆત
આ ઉપરાંત સભ્યો દ્વારા પાણી, રસ્તાની સમસ્યા અંગે પણ રજૂઆત કરી હતી. જે પણ આગામી દિવસોમાં હલ કરી દેવામાં આવશે, તેમ પ્રમુખે જણાવ્યું હતું. સામાન્ય સભામાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓમાં ડુંગરામાં પાણીની પાઈપલાઈન માટેની જમીન સંપાદન, સોલિડવેસ્ટ માટેની જમીન સંપાદન, રિંગ રોડ માટેની જમીન સંપાદન સહિતના કાર્યો આગામી દિવસોમાં પૂર્ણ કરવા બાબતે ઠરાવ કરવામાં આવ્યાં હતા.
વાપી નગરપાલિકામાં સત્તા પક્ષના સભ્યોએ કામ નહીં થવાની હૈયાવરાળ ઠાલવી અડચણોને દૂર કરવાની નેમ લેવાઇ
સામાન્ય સભામાં સ્ટ્રીટ વેન્ડર્સની કામગીરીને પ્રયત્નપૂર્વક આગળ વધારી શહેરમાં થઈ રહેલી અડચણોને દૂર કરવાની નેમ વ્યક્ત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકામાં આયોજિત સામાન્ય સભામાં તમામ સભ્યોની ઉપસ્થિતિમાં 29મી જાન્યુઆરીની આયોજિત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
સામાજિક જવાબદારી નિભાવવા બદલ ચીફ ઓફિસરે અભિનંદન પાઠવ્યા
આ ઉપરાંત 2019ના એપ્રિલથી માર્ચ સુધીના વાર્ષિક હિસાબને બહાલી આપવી, એપ્રિલથી સપ્ટેમ્બર 6 માસ સુધીના હિસાબ મંજૂર કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. તો કોરોના મહામારી દરમિયાન પાલિકાના કર્મચારીઓ, સભ્યોએ નિભાવેલી સામાજિક જવાબદારી બદલ ચીફ ઓફિસરે તમામને અભિનંદન પાઠવ્યા હતા.