- જળસંચયના કામોની પૂરતી કાળજી રાખી કાર્ય કરાવવા જણાવ્યું
- સુજલામ સુફલામ યોજનાની ફળશ્રુતિરૂપે ખેડૂતોએ મબલખ પાક મેળવ્યો
- ચાર તળાવો ઊંડા કરવા સહિત નદીની સાફ સફાઇનું આયોજન
વલસાડ : આદિજાતિ વિકાસ રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યોને પોતાના વિસ્તારોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થઇ રહેલા જળસંચયના કામોની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી છે. જે ધ્યાને રાખી જળસંચયના કામોની પૂરતી કાળજી રાખી કાર્ય કરાવવા જણાવ્યું હતું. સુજલામ સુફલામ યોજનાની ફળશ્રુતિરૂપે ખેડૂતોએ મબલખ પાક મેળવ્યો છે.
રાજ્ય પ્રધાને દેશની સલામતીના પગલાં રૂપે દરેક પરિવારને કોરોના વેક્સિન લેવા જણાવ્યું
રાજ્ય પ્રધાન કોરોના મહામારીમાં ગામના દરેક પરિવારને અને દેશની સલામતી તેમજ સાવચેતીના પગલાં રૂપે કોરોના વેક્સિન લેવા જણાવ્યું હતું. દરેક ગામોમાં કોરોના ચકાસણી અંગેના ટેસ્ટિંગનો કાર્યક્રમ રાખી પોઝિટિવ જણાય તેવા વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરી કોરોના વાઇરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા સૌના સહયોગની અપેક્ષા રમણલાલ પાટકરે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ
ખેતતલાવડી વગેરે સહિતના કામો હાથ ધરવાનું આયોજન કરાયું
સુજલામ-સુફલામ જળ અભિયાનના નોડલ અધિકારી અને દમણગંગા નહેર વિશાખા વિભાગ-3ના કાર્યપાલક ઈજનેર એસ. ડી. પટેલે ધરમપુર તાલુકામાં જળ સંચયના થનારા કામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, 93 ચેકડેમ રીપેર-ડીસીલ્ટિંગ, પાંચ નવા તળાવ, ચાર તળાવો ઊંડા કરવા સહિત નદીની સાફ સફાઇ, ખેતતલાવડી વગેરે સહિતના કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે.
સુજલામ સુફલામ યોજનાને સમગ્ર રાજ્યમાં સારી સફળતા મળી
ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજનાને સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારી સફળતા મળી છે અને આશીર્વાદરૂપ બની છે. ચેકડેમ રીપેર, નદી સફાઇ વગેરે કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી ચોમાસામાં પાણીનો સંગ્રહ થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.