વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારો માટે હાલ 'મહા' વાવાઝોડું સંકટ લઇને આવ્યું છે. પ્રથમ ઓક્ટોબર માસમાં વરસાદે તેમના માટે કાળો કેર વર્તાવ્યો જેનાથી જે બુમલા માછલી તેઓ દરિયામાંથી લાવ્યા બાદ કિનારે સુકવીને વેંચતા હોય તેમાં વરસાદને કારણે જીવાત પડી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના માછીમારો માટે મહત્વની માછલી એટલે કે દરિયામાંથી પકડીને લાવવામાં આવેલી બુમ્બિલ (બુમલા) જેને કિનારે લાવ્યા બાદ લાકડાના માંચડે સૂકવવામાં આવે છે. જે કિલોના 200 થી 400 રૂપિયા ભાવે વેચાણ થાય છે. તેને સૂકવવા માટે એક મજૂરને 200 રૂપિયા મજૂરી ચુકાવવી પડે છે. આ ખર્ચ પણ માછીમારોને માથે પડી રહ્યો છે.
'મહા' વાવાઝોડાને પગલે માછીમારોને રોજીમાં નુકશાન - મહા વાવાઝોડુ
વલસાડઃ અરબી સમુદ્રમાં સ્થિત થયેલું 'મહા' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની શકયતાઓ છે. તેને પગલે દરિયામાં માછીમારી કરવા જતાં અનેક માછીમારોએ હાલ દરિયા કિનારે બોટ લાંગરી છે. જોકે છેલ્લા 3 દિવસથી બંધ બોટને કારણે તેમનો વ્યવસાય ખોટમાં જઈ રહ્યો છે. આ સાથે જ ઓક્ટોબરના પડેલા વરસાદને પગલે સુકાયેલા બુમલા (માછલી)માં જંતુ પડી જતા ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
જોકે ઓક્ટોબરમાં પડેલા વરસાદને પગલે લાકડાના માંચડે સૂકવવામાં આવેલા બુમલાને સીધી અસર થઈ છે. આ બાબતે માછીમારો પણ તેમને થયેલા નુકશાનનું વળતર મળે એવી માગ કરી રહ્યા છે. તો સાથે જ છેલ્લા બે દિવસથી 'મહા' વાવાઝોડાને લઈને માછીમારી વ્યવસાય બોટ કિનારે લાંગરી દેવામાં આવતા બંધ હાલતમાં છે. જેથી પણ તેના વ્યવસાયને અસર પહોંચી છે. એક ફેરો દરિયામાં માછીમારી કરવા જાય તો તેઓને અંદાજિત 1 લાખ રૂપિયા મળતા હોય છે. પંરતુ, છેલ્લા ત્રણ દિવસથી બોટ બંધ રહેતા લાખો રૂપિયાનું નુકશાન માછીમારોને સહન કરવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે આ સમગ્ર બાબતે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે પહોંચીને માછીમારોની વેદના જાણવાનો ઇટીવી ભારતે પ્રયાસ કર્યો હતો. જેમાં માછીમારોએ પોતાના વ્યવસાયમાં થયેલા નુકશાન અંગે હૈયા વરાળ ઠાલવી વળતરની માગ સરકાર પાસે કરી છે.