વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં સર્વાઇવલ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કેમિકલ પ્લાન્ટમાં થયેલા એક બ્લાસ્ટમાં બુધનકુમાર રામ નામના કર્મચારીએ પોતાનો ચહેરો અને આંખ ગુમાવી દીધા બાદ કંપની સંચાલકો તેને સારવાર માટેના ખર્ચ અને અન્ય ખર્ચ આપવામાં આનાકાની કરતી હોવાથી આંખ ગુમાવનાર કર્મચારીએ કંપનીમાં જઈ પોતાની આંખ સારી કરી આપવા અને યોગ્ય વળતર આપવા માંગ કરી હતી. જેને મીડિયાનો સહારો મળતા કંપની સંચાલકોએ તાત્કાલિક ધોરણે 1.50 લાખની રકમ આપી બાકીની જરૂરી સહાયની ખાતરી આપી હતી.
આ ગંભીર ઘટનાનો ભોગ બનેલા બુધનકુમારના જણાવ્યા મુજબ 27 એપ્રિલ 2018ના કંપનીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામના કેમિકલના 25 ડબ્બા સ્ટોરમાંથી પ્લાન્ટમાં એડિશન માટે આવ્યા હતા. જેમાં એક ડબ્બામાં એસિડ હતું. એ કેમિકલનું એડિશન કરતી વખતે એસિડમાં રિએક્શન થતા પ્રેશર વધ્યું અને અચાનક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં એસિડ તેમના શરીર પર ઉડયું અને ગણતરીની મિનિટોમાં તેની આંખ જતી રહી અને તેનો ચહેરો બેડોળ બની ગયો.