વલસાડઃ દેશભરમાં જીવલેણ કોરોના વાઇરસનો કહેરના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે, ત્યારે વલસાડ શહેરમાં પણ ચલણી નોટો ઉડાવવામાં આવી હોવાની અફવા ચાલી હતી. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ ઘટના વલસાડના સુથાર વાડ વિસ્તારમાં આવેલી મિશન કોલોનીની જ્યાં કોલોનીમાં રહેતા એક વ્યક્તિએ સમગ્ર વિસ્તારમાં બૂમાબૂમ કરી કોઈ વ્યક્તિઓ મહોલ્લામાં 20 રૂપિયાથી લઇ 500 રૂપિયાની ચલણી નોટો ઉડાવી ગયા હોવાની અફવા ફેલાવી હતી.
જો કે, દેશભરમાં ચાલતી આવી અફવાઓની પ્રકાશમાં આવેલી ઘટનાઓને કારણે સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકાને કરી હતી અને ત્યાર બાદ પોલીસને પણ સમગ્ર મામલાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ નગરપાલિકા અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી.
આખા વિસ્તારની તપાસ કરતા એક માત્ર 20 રૂપિયાની ચલણી નોટ મળી આવી હતી. આથી પાલિકાની ટીમે નોટને શેની ટાઇઝ કરી તેનો કબજો મેળવ્યો હતો. તો પોલીસે પણ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ કોરોના કહેર વચ્ચે ચાલેલી આ અફવાની ઘટનાની સત્યતા તપાસવા આસપાસના વિસ્તાર મહોલ્લામાં લગાવેલા CCTV ફૂટેજ ચેક કર્યા હતા જેમાં સમગ્ર ઘટના સામે આવી હતી.
CCTVમાં દેખાતા દશ્યો મુજબ હકીકતમાં જે વ્યક્તિએ ચલણી નોટો કોઇ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હોવાની અફવા ફેલાવી હતી, તે જ વ્યક્તિએ મહોલ્લામાં જાતે 20 રૂપિયાની એક નોટ મુકી અને લોકોમાં અફવાઓનો દોર ચલાવ્યો હતો. જેથી CCTV કેમેરાના ફૂટેજના આધારે પોલીસે અફવા ફેલાવનાર વ્યક્તિની અટકાયત કરી તેને કબજો લઈ તેની ઉંડાણપૂર્વકની પૂછપચ્છ હાથ ધરી હતી.
આમ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી રીતે ચલણી નોટો ઉડાવવાની ઘટનાઓ અને અફવાઓના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે હવે વલસાડમાં પણ આવી રીતે ચલણી નોટો ઉડાવી ગયા હોવાની અફવાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાવ્યો હતો. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે જે વ્યક્તિએ 20 રૂપિયાની નોટ જાતે જ ફેંકી લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. તે વ્યક્તિની અટકાયત કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.