- શ્રાવણ માસના ત્રીજા સોમવારે અર્ધનારેશ્વર સ્વરૂપની પૂજા
- ત્રીજો સોમવાર આપે છે અનેકગણું પુણ્ય
- એક મુઠ્ઠી મગ ચડાવવાથી ફળ પ્રાપ્ત થાય છે
વલાસાડ:23મી ઓગસ્ટના શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે.આ દિવસે ભગવાન શિવના અર્ધનારેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિના દરમ્યાન સોમવારના દિવસે મહાદેવને જળાભિષેક, રુદ્રાભિષેક અર્પણ કરવાનું મહાત્મ્ય છે. ત્રીજા સોમવારે ભગવાન મહાદેવને એક મુઠ્ઠી મગ, પંચામૃત ચડાવવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ પમ વાંચો:શ્રાવણ માસ નિમિતે રાજકોટમાં વિવિધ ફરસાણની દુકાનમાં ફૂડ વિભાગના દરોડા
સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ
સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠે છે. એમાં પણ દર સોમવારે શિવાલયોમાં ભોળાના ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે. ત્યારે, વાપીના શાસ્ત્રી મનોજ ભટ્ટે શ્રાવણ માસના ત્રીજા સોમવારનું મહત્વ અને તે દિવસે અર્ધનારેશ્વર મહાદેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ તે અંગે ETV ભારતના દર્શકોને વિગતો આપી હતી. વાપીના સિદ્ધનાથ મહાદેવ મંદિરના શાસ્ત્રી મનોજ ભટ્ટે જણાવ્યું હતું કે, ચતુર્માસની શરૂઆત શ્રાવણ માસથી થાય છે. ભગવાન હરિ ચાર મહિના માટે વિશ્રામમાં જાય છે. એટલે, સૃષ્ટિનું સંચાલન મહાદેવના હસ્તક આવે છે. શ્રાવણ માસથી શરૂ થતા આ દિવસોમાં સોમવારના દિવસના ખૂબ જ મહત્વ છે. જેમાં ત્રીજા સોમવારે ભગવાન શિવના અર્ધનારેશ્વર સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્રીજા સોમવારે ભગવાન શિવને એક મુઠ્ઠી મગ ચઢાવવામાં આવે તો, ભક્તોની વાણીની પવિત્રતા જળવાઈ રહે છે.
રુદ્રાભિષેક, રુદ્રીના પાંચમા અધ્યાયના શ્લોક મંત્રનું છે મહત્વ
એ ઉપરાંત ત્રીજા સોમવારે શિવના અર્ધનારેશ્વર સ્વરૂપનું પૂજન કરવાથી સારું આયુષ્ય અને સારું સંતાન સુખ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવે સમાજમાં નર અને નારીનું સમાન મહત્વ સમજાવ્યું છે. સનાતન ધર્મમાં પણ નર અને નારી ને સમાન મહત્વ આપ્યું છે. ત્રીજા સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના માટે શાસ્ત્રી મનોજ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે આ દિવસે દૂધ, દહી, મધ, ધી શર્કરા વગેરેના પંચામૃતનો ભગવાનને અભિષેક કરવામાં આવે સાથે જ રૂદ્રાભિષેક નું પણ ખૂબ જ મહત્વ છે. રુદ્રાભિષેક કરવાથી ખૂબ જ લાભ મળે છે. જો કોઈ ભક્ત રુદ્રાભિષેક ના કરી શકે તો રુદ્રીના પાંચમા અધ્યાયના શ્લોક મંત્ર દ્વારા પણ ભગવાન શિવને અભિષેક કરે તો પણ તેનું પુણ્ય અનેક ગણું મળે છે.