વલસાડ : આ જિલ્લો કેમિકલ ઉદ્યોગ માટે જાણીતો છે. વલસાડ જિલ્લામાં 5 GIDC સિવાય અન્ય નાના મોટા ઉદ્યોગો પણ આવેલા છે. એટલે ખાસ કરીને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાન રાખતા જિલ્લા કક્ષાનો ડીસ્ટ્રીકટ ઇમરજન્સી પ્લાન્ટ બનાવેલો છે. એ સિવાય બે લોકલ ઇમરજન્સી પ્લાન્ટ બનાવેલા છે. જેમાં એક અતુલ ગુંદલાવ GIDC માટે છે. બીજો વાપી, ઉમરગામ, સરીગામ GIDCને આવરી લેતો છે. આ તમામ GIDC માં વર્ષે સરેરાશ 100 જેટલા આગના બનાવો બને છે. છેલ્લા બે મહિનામાં વિવિધ ફાયરના બનાવો બન્યા છે. જેમાં 6 મોટા ફાયરના બનાવો હતાં. આ બનાવોમાં ઉદ્યોગોમાં જાનહાની નથી થઈ, પરંતુ પારાવાર નુકસાન જરૂર થયું છે. ત્યારે આ અંગે વલસાડ ફાયર સેફટી ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ આવા ઉદ્યોગોમાં ફાયર સેફટીના સાધનો હતા. પરંતુ તાલીમી સ્ટાફનો અભાવ હતો.
ઉદ્યોગોમાં તાલીમી સ્ટાફ અને ફાયરના સાધનોની જાણકારીનો અભાવ આગને ફેલાવવામાં નિમિત બને છે
વલસાડ જિલ્લામાં 5 GIDC આવેલી છે. દરેક GIDCમાં વર્ષે 100 જેટલી નાનીમોટી આગની ઘટનાઓ બને છે. ત્યારે આવી ઘટનાઓમાં મોટેભાગે ઉદ્યોગકારોની બેદરકારી જ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. ઉદ્યોગકારો ફાયર સેફટીના સાધનો તો વસાવી લે છે. પરંતુ તે બાદ તેના માટે તાલીમી સ્ટાફ અને ક્યાં કેમિકલ માટે ક્યાં પ્રકારનું ફોમ વાપરવું જોઈએ, તે અંગેની માહિતીનો સદંતર અભાવ આવી ઘટનામાં જોવા મળ્યો છે.
હાલ જિલ્લામાં આગના 6 જેટલા મોટા બનાવો બન્યા છે. એ બનાવમાં મોટાભાગે જે કેમિકલ અથવા તો સોલ્વન્ટ હેન્ડલિંગ કરતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. જેમાં જણાયું છે કે, ફર્સ્ટ એઇડ ફાયર ફાઇટર ઇકવિપમેન્ટ જે જે કારખાનામાં રાખવામાં આવે છે, તેની ત્વરિત્તાથી ઉદ્યોગોમાં કામ કરતા કામદારો જ અજાણ હતાં. જ્યારે સોલ્વન્ટમાં આગ લાગે તો એને શરૂઆતની ત્રણથી પાંચ મિનિટમાં બુઝાવવામાં ના આવે તો તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તે પછી એ આગને ઓલવવા માટે બહારથી જ પ્રયત્ન કરવાના હોય છે. જેમાં ફાયર ફાઇટર વિભાગને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે, આગના બનાવો મોટાભાગે રાત્રીના સમયે બને છે. એવા સમયે ઉદ્યોગોમાં ઘણીવાર માત્ર સિક્યુરિટી ગાર્ડ હોય છે. તેને કંપનીમાં રહેલા કેમિકલ અંગે કે પ્રોડક્ટ અંગે કશું જ જ્ઞાન હોતું નથી. એટલે ફાયર વિભાગને પણ આગ બુઝાવવા પાણીનો મારો ચલાવવો કે, ફોમ મિશ્રિત મારો ચલાવવો તે અંગે માર્ગદર્શન મળતું નથી. જેના કારણે આગના બનાવોમાં આગ એક કારખાના સાથે નજીકના કારખાનાને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે.