વાપી : 12 જ્યોતિર્લિંગ પૈકીના એક એવા ભીમાશંકર જ્યોતિર્લિંગ જેટલું પુણ્ય વલસાડ જિલ્લાના કુંતાના કુંતેશ્વર મહાદેવની પૂજા કરવાથી મળે છે. ભારતમાં ભીમાશંકર મહાદેવ બાદ અહીં બિરાજમાન કુંતેશ્વર મહાદેવ અર્ધનારેશ્વર શિવલિંગ રૂપે પૂજાય છે. આ પૌરાણિક મંદિર અંગે પૂજારી મહંત કલ્પેશ ભારતી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિર જ્યાં આવેલું છે તે ગામનું નામ કુંતા છે. તેની ચારે બાજુમાં દમણની સરહદ છે. ગામમાં કુંતેશ્વર મહાદેવ મંદિર છે જે ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે. પૌરાણિક માન્યતા મુજબ આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ અર્ધનારેશ્વર સ્વરૂપે છે. જેની પૂજા માતા કુંતા એ કરી હતી. એટલે તેનું નામ કુંતેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે.
દરેકની મનોકામના કુંતેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે : આ મંદિરમાં માતા કુંતા સાથે પાંચેય પાંડવોએ પણ ભગવાન શિવની પૂજા કરી હતી. અહીં એકી સાથે કુલ 9 શિવલિંગ છે, જે અન્ય કોઈ મહાદેવના મંદિરમાં નથી. લોકો અહીં દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા આવે છે. ત્રેતા યુગમાં આ સ્વયંભૂ શિવલિંગ પ્રગટ્યું હોવાની માન્યતા છે. નવ શિવલિંગની જે પૂજા કરે છે, 9 સોમવાર ભરે છે તે દરેકની મનોકામના કુંતેશ્વર મહાદેવ પૂર્ણ કરતા હોવાની માન્યતા છે.
માતા કુંતાએ અર્ધનારેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી :શ્રાવણ મહિનામાં અભિષેક પૂજા કરવા આવતા લોકો માટે માનવામાં આવે છે કે ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ જેટલું પુણ્ય મળે છે, તેટલું પુણ્ય કુંતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાથી મળે છે. ભીમાશંકર જ્યોતિર્લિંગમાં ભીમ દ્વારા અર્ધનારેશ્વર મહાદેવની સ્થાપના કરી તેની પૂજા અર્ચના કરી હતી. કુંતેશ્વર મહાદેવમાં માતા કુંતાએ અર્ધનારેશ્વર શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા કરી હતી.