વલસાડ : વાપીમાં ધુળેટીના પર્વ દરમ્યાન કાયદાનો ડર રાખ્યા વિના કેટલાક ટપોરીઓએ નિર્દોષ લોકોને રંઝાડી ઘાયલ કરી મુક્યા હતા. સરાજાહેર બનેલી આ ઘટનાથી લોકોમાં ટપોરીઓ પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ અને વાયરલ થયેલા CCTV મુજબ વાપીના ગીતાનગર વિસ્તારમાં એક પેટ્રોલ પમ્પ સામે એક ટેમ્પોચાલકને બાઇક પર આવેલા ટપોરીઓએ ઉભો રાખી, ટેમ્પોના કાચ પર પથ્થરમારો કરી કાંચને તોડી નાખ્યા બાદ ટેમ્પોચાલકને બહાર ખેંચી ઢોર માર મારતા ટેમ્પો ચાલક રસ્તા પર જ બેહોશ થઈને ઢળી પડ્યો હતો. આ સમયે આ લુખ્ખાઓ તેમને રસ્તા પર છોડી નાસી છૂટ્યા હતાં. તો અન્ય એક ઘટના ભડકમોરા વિસ્તારમાં બની હતી.
વાપીમાં ધૂળેટીના પર્વે રમાઈ "લોહીની હોળી", બે યુવકો પર કરાયો ચપ્પુથી હુમલો - ધુળેટીના પર્વ
વાપીમાં ધુળેટીના પર્વ દરમ્યાન અસામાજીક તત્વોએ "લોહીની હોળી" રમતાં બે યુવકોને ચપ્પુથી ઘાયલ કર્યા હતાં, તો એક ટેમ્પો ચાલકને લુખ્ખાઓએ ઢોર માર મારી બેહોશ કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી.
જે અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ધૂળેટીના તહેવાર નિમિત્તે વાપી નાની સુલપડ ખાતે રહેતા બે યુવાનો અનિલ સુખલાલ યાદવ અને ચંદન સંજય યાદવ ધૂળેટીનો તહેવાર હોવાથી તેમના વાપી ટાઉનમાં રહેતા મિત્રને ત્યાં ધુળેટી રમવા જઈ રહ્યા હતા. તે દરમિયાન નાની સુલપડના ભડકમોરા ખાતે ગલીમાં ઊભેલા પાંચ જેટલા ટપોરીઓએ બંને યુવાનોને રોકી તમે અહીં કેમ આવ્યા છો, આ અમારો એરિયા છે. અહીં આવશે તો જાનથી મારી નાખીશું તેમ જણાવી અનિલ યાદવને માર મારી શર્ટ ફાડી નાખ્યો હતો. તેમજ તેમના પર ચપ્પુથી હુમલો કરી મોઢા અને નાકના ભાગે ઇજા પહોંચાડી હતી. જેને છોડાવવા માટે વચ્ચે પડેલા ચંદન સંજય યાદવને ટપોરીઓએ પેટના ભાગે ચપ્પુના ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
આમ ધુળેટીના પર્વ દરમ્યાન અલગ અલગ બે બનાવોમાં લુખ્ખાઓએ ત્રણ યુવાનો પર હુમલો કરી ઘાયલ કરી નાખતા આ લુખ્ખાઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આવા તત્વોને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ કરી રહ્યાં છે.