વલસાડઃ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હાલના બજેટમાં દિવસે વીજળી આપવાની(Kisan Suryodaya Yojana) જાહેરાત થયા બાદ રાજ્યના દરેક જિલ્લામાં તેની અમલવારી શરૂ થઈ ચૂકી છે. પહેલા રાત્રે મળતી આઠ કલાકની વીજળીની તુલનાએ દિવસે મળતી વીજળીથી ખેડૂતોને જીઈબીના કર્મચારીઓને અનેક લાભાલાભ છે. સરકારની આ પહેલ બાગાયતી અને સીઝનલ ખેતીના ઉત્પાદનમાં બમણી આવક આપશે.
વર્ષો જૂની માંગ ફળીભૂત થઈ, ઉત્પાદન વધશે -ગુજરાત રાજ્યના બજેટમાં(Gujarat Budget 2022) નાણાપ્રધાન કનુ દેસાઇએ ખેડૂતોને દિવસના સમયે આઠ કલાક વીજપુરવઠો પુરો પાડવાની જાહેરાત કરી છે. સૂર્યોદય યોજના અંતર્ગત રાત્રિના બદલે દિવસના વીજળી મળે તેવી માંગ રાજ્યના ખેડૂતોની હતી. આ પહેલથી થતા વિવિધ ફાયદા અંગે વલસાડ જિલ્લાના અગ્રણી ખેડૂત રાજેશ કુમાર શાહે ETV Bharat સાથે ખાસ વાત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની જાહેરાતથી ખેડૂતો ખૂબ જ ખુશ છે. આ પહેલથી રાજ્યનો દરેક ખેડૂત બમણું ઉત્પાદન મેળવી, દેશના ઉત્પાદનમાં અમૂલ્ય સિંહ ફાળો આપશે.
રાત્રી વીજળીમાં અનેક મુશ્કેલીઓ આવતી -રાત્રી દરમિયાન મળતી વીજળીમાં ઉભી થતી મુશ્કેલીઓ અંગે રાજેશ શાહે જણાવ્યું હતું કે રાત્રે હિંસક જનાવરનો ડર રહેતો. વીજળી દરમિયાન મોટર બળી જવી લાઈટમાં શોટસર્કિટ જેવા બનાવો બન્યા બાદ તાત્કાલિક મરામત થઈ શકતી નહોતી. ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જીઈબીના કર્મચારીઓને ફોલ્ટ શોધવામાં અને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જે તમામ સમસ્યાઓ દિવસની વીજળી દરમિયાન જલ્દી નિવારી શકાય છે.