- યુવતીનું અપહરણ કરી 30 લાખની ખંડણી માંગી
- વાપી પોલીસે એક પણ રૂપિયો આપ્યા વિના આરોપીઓને દબોચી લીધા
- પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બે આરોપીને પકડી પાડ્યા
વલસાડ, વાપી : વાપીની યુવતીનું શુક્રવારે 3 ઈસમોએ અપહરણ કરી 30 લાખની ખંડણીની માંગ કરી જતી. જે અંગે યુવતીના પિતાએ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ એક પણ રૂપિયો ચૂકવ્યા વગર આરોપીઓને દબોચી લીધા હતાં. અને યુવતીને હેમખેમ તેના પિતાના હવાલે કરી હતી.
30 લાખની ખંડણી માંગી
વાપી ટાઉન પોલીસે જણાવ્યું કે, શુક્રવારે સાંજના પાંચેક વાગ્યાના સમયે વાપી વિસ્તારમાંથી એક યુવતીનુ ત્રણ ઈસમોએ ખંડણી માટે અપહરણ કર્યું હતું. જે બાદ યુવતીના મોબાઈલ નંબર ઉપરથી યુવતીના પિતાને ફોન કરી તેમની પુત્રી હેમખેમ જોઈતી હોય તો રૂપિયા 30 લાખ લઈને ઉદવાડા નજીક હાઈવે ઉપર આવી જવા જણાવ્યુ હતુ .
અલગ અલગ ટીમો બનાવી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા
યુવતીના પિતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી વાપી ટાઉન PI બી.જે.સરવૈયા સમક્ષ રજૂઆત કરતા પોલીસે યુવતીના પિતાની ફરીયાદ લઈ આરોપીઓ સામે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ બનાવ બાબતે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક મનોજ શર્મા તથા વાપી વિભાગના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલ તાત્કાલીક વાપી ખાતે આવ્યા હતાં. અને LCB, SOG. તથા વાપી ટાઉંનની અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનાર યુવતી તેમજ અપહરણકર્તાઓની તપાસ ચાલુ કરી દેવામાં આવી હતી.