વલસાડઃ સરકાર જ્યારે શ્રમિકોને પોતાના વતન મોકલાવા માટે ભાડું માગી રહી છે. તેવા સમયમાં ખારવેલ ગામમાં લોકડાઉનને કારણે ફસાયેલા 23-24 પરપ્રાંતિ શ્રમિકોને તેમના પોતાના વતન પહોંચાડવા ગામના સરપંચ દ્વારા શ્રમિકોને ટીકીટ ભાડાના પૈસા ચૂકવીને માનવતા મહેકાવી છે.
વલસાડ જિલ્લામાં મજૂરી કામ અર્થે આવેલા ઉત્તર ભારતના અનેક શ્રમિક વર્ગના લોકોને પોતાના વતન જવા માટે સરકાર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તે માટે સરકાર દ્વારા શ્રમિકો પાસે ભાડું વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે અને છેલ્લા 47 દિવસથી લોકડાઉન જેવી સ્થિતિ છે. એવામાં શ્રમિકો પાસે નાણાની તંગી વર્તાઈ રહી છે, ત્યારે ટિકિટના પૈસા પણ ક્યાંથી હોય.
વલસાડની ખારવેલ ગ્રામપંચાયતે શ્રમિકોને વતન જવા 16000 રૂપિયા ટીકીટ ભાડું ચૂકવ્યું આ સમયમાં વલસાડ જિલ્લાની એક માત્ર ગ્રામ પંચાયત ખારવેલના મહીલા સરપંચ રેખાબેન અને માજી સરપંચ રાજેસ ભાઇ આ શ્રમિકોને 16000નું ભાડુ ચૂકવીને ટિકિટની વ્યવસ્થા કરી આપી શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાનું કામ કર્યુ છે.
મહત્વનું છે કે, UP બિહાર વિસ્તારમાંથી દક્ષિણ ગુજરાત ખાસ વાપી અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં મજૂરી કામ કરવા માટે મજૂરો આવ્યા હતા. લોકડાઉનમાં ફસાઈ જતા તેઓને મદદ કરવા માટે કોઈ ન હતું પરંતુ આવા સમયે એક માત્ર પંચાયત ખારવેલ દ્વારા ટિકિટ માટેના રોકડ નાણાંની મદદ ગ્રામપંચાયત દ્વારા કરીને અન્ય ગ્રામ પંચાયત માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.