વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રવિવારે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે કર્તવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લાના બે ડી.વાય.એસ.પી મનોજ સિંહ ચાવડા અને વી એમ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ કેસોમાં વિશેષ કામગીરી કરી ગુનેગારોને સજા સુધી પહોંચાડનાર પોલીસ કર્મીઓની કામગીરી બિરદાવતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પારડીમાં ફરજ બજાવી ચૂકેલા પી.આઈ ડીજે સરવૈયા તેમજ પીએસઆઇ સ્વપ્નિલ પંડ્યા અને સરકારી વકીલ અનિલ ત્રિપાઠીને તેમની વિશેષ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વલસાડમાં પોલીસ દ્વારા 'કર્તવ્ય સન્માન સમારોહ'નું આયોજન, વકીલ અને પોલીસ કર્મીનું કરાયું સન્માન - વલસાડ
વલસાડ: જિલ્લા પોલીસ દ્વારા રવિવારે કર્તવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વકીલ અને બે પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં બનેલા ગુનાઓમાં અતિ જટિલ એવા કેસોમાં કર્તવ્ય નિષ્ઠા પૂર્વક કામગીરી કરી ગુનેગારોને સજા અપાવવા સુધીના કાર્યમાં વિશેષ કામગીરી બજાવનાર પોલીસકર્મીઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરાયેલા અધિકારીઓએ તેમના આ જટિલ કેસો વિશે અન્ય પોલીસ કર્મીઓને પણ માહિતી આપી હતી અને આ સમગ્ર કેસોમાં તેમને પડેલી તકલીફો અને તેમાંથી ગુનેગારોને કેવી રીતે શોધી કાઢી સજા સુધી પહોંચાડી દેવાયો છે અંકેની માહિતી પૂરી પાડી હતી. નોંધનીય છે કે, સમગ્ર રાજ્યના ડીજી દ્વારા કરવામાં આવેલી કોન્ફરન્સમાં પોલીસકર્મીઓને બિરદાવવા અને પ્રોત્સાહન પૂરુ પાડવા માટે પોતાની ફરજ ઉપર કર્તવ્ય અને નિષ્ઠા દાખવી ગુનેગારોને જેલના સળિયા સુધી મોકલનાર અને કર્મચારીઓને તેમની વિશેષ કામગીરી માટે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.