વલસાડ : કપરાડા વિધાન સભાની પેટા ચૂંટણી આવતાં જ ભજપ કોંગ્રેસ બંને પક્ષના પ્રદેશ કક્ષાના નેતાઓની મુલાકાતોનો દોર વધી ગયો છે. એટલું જ નહિ ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ તેમ દરેક પક્ષના કાર્યકર્તાઓ પણ અંતરિયાળ ગામોમાં કાર્યક્રમોનું આયોજન ગોઠવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલે વલસાડ યુવા મોરચાના તમામ તાલુકાના કાર્યકરો અને હોદેદારો સાથે વિશેષ બેઠક યોજી અને કપરાડા પેટા ચૂંટણીમાં થ્રિ લેયર કામગીરી કરવા અંગે ભાર મુક્યો છે. જે મુજબ કપરાડા જિલ્લા પંચાયતોની દરેક બેઠક દીઠ એક પ્રદેશમાંથી હોદ્દેદાર એક સ્થાનિક યુવા મોરચાનો હોદ્દેદાર અને એક કાર્યકર મળી ત્રણ લેયરની કમિટી બનાવવામાં આવી છે. તે આગામી દિવસમાં દરેક સ્થળે કામગીરી કરશે. આગામી તારીખ 22 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર દરમ્યાન બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
કપરાડામાં કોંગ્રેસ નીતિ, નિયમ, નેતા, નેતૃત્વ વિહીન બની છે :ઋત્વિજ પટેલ - વલસાડ યુવા મોરચો
કપરાડા પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ કપરાડામાં રાજકીય નેતાઓની મુલાકાતના દોર શરૂ થઈ ગયા છે. કપરાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલે કકડકોપર ખાતે આવેલ હોટલ સિલ્વર લીફમાં વલસાડ જિલ્લા યુવા મોરચાના તમામ હોદેદારો સાથે બેઠક કરી કપરાડા ચૂંટણી અંગે પેજ પ્રમુખ અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ હવે કપરાડામાં નીતિ નેતા અને નેતૃત્વ વિહીન બની ચુકી છે.
કકડકોપર ખાતે આવેલી હોટલ સિલ્વર લીફમાં આયોજિત આ કાર્યક્રમ માં દરેક કાર્યકરો માટે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઋત્વિજ પટેલે યુવા મોરચાના યુવાનોને કહ્યું કે, કપરાડામાં કોંગ્રેસ નીતિ નેતા નેતૃત્વ વિહીન બની છે. જેથી તેને હાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ ચૂંટણીમાં જંગી બહુમતી લાવીને ભાજપનો ભગવો લેહરાવવા માટે યુવા મોરચાના કાર્યકરોએ આગળ આવવું પડશે. જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રધાન ઈશ્વર સિંહ પટેલ ,ઇન્ચાર્જ પ્રદેશ ભરતસિંહ પરમાર ,પ્રભારી વિવેક પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ,ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી વલસાડ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સહિત અનેક યુવા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.