વલસાડ: ઉમરગામ તાલુકામાં ઓમ હોસ્પિટલને ચાઈલ્ડ હ્યુમન ટ્રાફિકિંગના ન્યૂઝ છાપી બદનામ કરવાની ધમકી આપી પત્રકારે 5 લાખની માંગણી કરી છે. જેથી હોસ્પિટલના ડૉક્ટરે રૂપિયાની માંગણી કરનારા પત્રકાર રાજકુમાર પાઠક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પોતાના પતિ સાથે રહેતી અને ઉમરગામમાં જ ઓમ હોસ્પિટલ ચલાવતી ડૉ.સ્નેશા હલન્કર પાસેથી પત્રકાર રાજકુમાર પાઠકે દિવસમાં ત્રણેક વાર 5 લાખની ખંડણી માંગી હતી. ખાનગી હિન્દી ન્યૂઝ પેપરના આ પત્રકારે ડૉ. સ્નેશા અને તેમના પતિને હોસ્પિટલના ચાઈલ્ડ ટ્રાફિકિંગ ન્યૂઝ છાપી હોસ્પિટલને બદનામ કરવા સાથે ચાઈલ્ડ વેલફેરમાં ફોન કરી ફરિયાદ નોંધાવવા અંગે ધમકી આપી હતી.
ઉમરગામમાં ડૉક્ટરને ચાઈલ્ડ ટ્રાફિકિંગમાં ફસાવી દેવાની ધમકી આપી પત્રકારે કરી 5 લાખની માગ આ સંદર્ભે તબીબ દંપતીએ તાત્કાલિક ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સ્નેશા હલન્કરે જણાવ્યું હતું કે, પત્રકારના સંબંધીઓ ફોન કરી ફરિયાદ પરત ખેંચવા દબાણ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અનેક બેનામી પત્રકારોનો રાફડો ફાટ્યો છે. જે વોટ્સએપ, ફેસબુક, યૂ-ટ્યુબ પર બિન-અધિકૃત ન્યૂઝ ચેનલો શરૂ કરી લોકોને પત્રકારનો રોફ બતાવી નાણાં ખંખેરી રહ્યા છે. આ અગાઉ પણ આવા કિસ્સાઓ આ વિસ્તારમાંથી સામે આવ્યાં છે, ત્યારે આવા લેભાગુ પત્રકારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ જિલ્લાના પત્રકારો અને સામાન્ય જનતામાં ઉઠી છે.