વાપી: વલસાડ જિલ્લામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતો પરસુરામ જોગમેરકરનો પરિવાર 1965થી પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરતો આવ્યો છે. 1960માં પરાસુરામના પિતા નારાયણ જોગમેરકર વાપીમાં લગ્ન કરીને સ્થાઈ થયા હતા, ત્યારથી તેઓ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે. આ માટે તેઓ કોઈ જ ફંડફાળો ઉઘરાવતા નથી.
વાપીમાં કોરોના કાળ વચ્ચે પણ 60 વર્ષ જૂની શ્રીજીની શ્રદ્ધા રહી અતૂટ-અખંડ, જુઓ વીડિયો - વાપીના સમાચાર઼
વૈશ્વિક કોરોના મહામારીમાં આ વખતે ગણેશોત્સવના મોટા ઝાકમઝોળવાળા પંડાલો અને મહાકાય પ્રતિમા પર સરકારે પાબંધી લગાવી દીધી છે, ત્યારે આવા સમયે પણ વાપીમાં 60 વર્ષથી ઘરના ગણપતિની સ્થાપના કરતા જોગમેરકર પરિવારની આસ્થા અડગ રહી છે. આ પરિવારે જણાવ્યું કે, અમારો સંકલ્પ છે કે અમે આવનારા વર્ષે જ નહીં પરંતુ પેઢીઓની પેઢી સુધી બાપાને ઘરે બેસાડતા રહીશું.
હાલમાં આ આસ્થાને તેમના પુત્ર પરસુરામ જોગમેરકરે જાળવી રાખી છે. આ વખતે કોરોના મહામારીને કારણે તેઓએ મહોત્સવને સીમિત સાજશણગારમાં જ ઉજવવો પડ્યો છે. તે વાતનો આ પરિવારને દુઃખ પણ છે. પરાસુરામના જણાવ્યા મુજબ તેમણે સરકારની તમામ ગાઈડલાઈનને અનુસરીને શ્રીજીની સ્થાપના કરી છે, પરંતુ આવતા વર્ષે ધામધૂમથી તેની સ્થાપના કરશે. પરાસુરામે જણાવ્યું કે, પેઢીઓની પેઢીઓ સુધી શ્રીજીની સ્થાપના કરતા રહીશું, તેવો અમારો સંકલ્પ છે.
ઉલ્લેખનીય છે કે, જોગમેરકર પરિવાર દર વર્ષે પોતાના સ્વખર્ચે જ મહાકાય પ્રતિમાની સ્થાપના કરી ભવ્ય પંડાલ બાંધે છે. તેમજ શેરીઓને રોશનીથી શણગારી દરરોજ ભાવિક ભક્તો માટે પ્રસાદનું આયોજન કરતા હતા. જે આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખી પડતું મૂક્યું છે.