વાપી: વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોના મહામારીને કારણે ઠપ્પ થયેલા 4000 જેટલા ઉદ્યોગો આંશિક શરતોને આધીન શરૂ થયા છે, પરંતુ મોટાભાગના ઉદ્યોગોના વ્યવહારો જોતા જાણવા મળ્યું છે કે આ ઉદ્યોગકારો હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં હાલ કોરોના મહામારી અને લોકડાઉનના સમયમાં ઉદ્યોગકારો સતત પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમ છતાં હાલ ગારમેન્ટ, ટેકસટાઇલ, પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.
કોરોના મહામારીમાં વાપીના ઉદ્યોગોને પારાવાર નુકસાન, આર્થિક પેકેજની માગ ઉઠી આ સમયે ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ માટે સપ્લાય એન્ડ ડિમાન્ડનો સમય હતો. તે સમયગાળા દરમિયાન સ્કુલ યુનિફોર્મ, ઇદના તહેવાર અને લગ્ન સીઝન હોવાથી વેપાર-ધંધાની સારી આવક થતી હોય છે, પરંતુ આ ઉદ્યોગ માટે આ સીઝન મંદીની સિઝનમાં પરિવર્તિત થઇ છે. પ્રકાશ ભદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ઉદ્યોગ જગત દ્વારા સરકાર પાસે આ અંગે ખાસ રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે મોદી સરકાર ઉદ્યોગો માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તો તેનાથી ઉદ્યોગકારોને ખૂબ મોટો લાભ થશે. હાલ ઉદ્યોગો દ્વારા સરકારમાં કર્મચારીઓની સેલેરી તેમજ અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પીઆઈએલ પણ કરવામાં આવી છે.સરકાર જીએસટી અને પ્રોડક્શન, રો-મટીરીયલ, બેંકના પ્રશ્નો અંગે સ્પેશિયલ પેકેજ જાહેર કરે તો કોરોના મહામારી અને લોકડાઉનમાં મુશ્કેલીનો સામનો કરતા ઉદ્યોગકારોને લાભ થઈ શકે છે.
વાપીના અન્ય એક ઉદ્યોગપતિ હેમાંગ નાયકે જણાવ્યું હતું કે હાલમાં સરકાર અને ઉદ્યોગોની એક જ પ્રાયોરિટી છે, કોરોના સંક્રમણ રોકવાની અને મજૂરોને સાચવવાની, તેમને પગાર આપવાની આ કમિટમેન્ટ ઉદ્યોગકારો નિભાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ઉદ્યોગકારોને અને અર્થતંત્રને મોટું નુકસાન થયું છે. મોદી સરકાર આ પરિસ્થિતિથી વાકેફ છે, પરંતુ વડાપ્રધાન સમક્ષ અનેક પરિસ્થિતિઓ ઉદ્ધભવી રહી છે. પરિસ્થિતિને સમજીને આંશિક છૂટછાટ સાથે લોકડાઉન રાખવું જોઈએ. શરતોને આધીન ઉદ્યોગોને અને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનોને છૂટ આપવી જોઈએ. જો તેવું થશે તો રાજ્યમાંથી પલાયન થઈ રહેલા કામદારોમાં આત્મવિશ્વાસ વધશે. ઉદ્યોગકારોમાં પણ આત્મવિશ્વાસ વધશે અને અર્થતંત્રને ધબકતું રાખી શકાશે.
ઉલ્લેખનીય છે કે વાપી જેવા જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 20 ટકા જેટલા લોકોએ સ્થળાંતર કર્યું છે, પરંતુ આ આંકડો વધુ મોટો બનતા અટકાવવામાં સફળતા મળી છે. ઉદ્યોગપતિઓએ કામદારોને બે મહિનાની સેલરી આપી છે. કામદારો પણ ઇન્ડસ્ટ્રીઝના પેન્ડિંગ ઓર્ડરમાં સાથ સહકાર આપી રહ્યા છે. તે સાથે જ પ્રવાસી કામદારોના વડા સાથે ઉદ્યોગકારોએ ચર્ચા કરી તમામને નોકરી તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળે તે માટે ખાસ પહેલ પણ કરવામાં આવી છે.