વલસાડ: અંદાજિત 600 વર્ષ જૂના કલગામ ગામમાં આવેલા વડના ઝાડમાં હનુમાન દાદા સ્વયંભું પ્રગટ થયા હોવાની માન્યતા બાદ અહીં ગુજરાત અને મહારાષ્ટ્રથી લાખો ભાવિક ભક્તો દર્શનાર્થીઓ આવે છે. આ મંદિરના પટાંગણમાં એક પૌરાણિક કૂવો છે. આ કૂવો પણ એક જ રાતમાં બન્યો હોવાની માન્યતા છે. તેમજ તેનું પાણી અનેક દર્દમાં ઔષડ સમાન હોવાનું માની ભક્તો તે પાણીની બોટલ ભરીને પોતાનાં ઘરે લઈ જાય છે.
વલસાડના કલગામમાં પૌરાણિક કૂવામાંથી મંદિર ટ્રસ્ટે ભારતીય ચલણના સિક્કા કાઢ્યાં - Gujarati News
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ગામમાં બિરાજમાન સ્વયંભું રાયણીવાળા હનુમાન દાદાના મંદિરે આસ્થાના પ્રતિક ગણાતા પૌરાણિક કૂવામાંથી ટ્રસ્ટ દ્વારા 10થી 15 હજારના ભારતીય ચલણના સિક્કાઓ બહાર કાઢ્યા છે. મંદિર ટ્રસ્ટ દર વર્ષે આ સિક્કા બહાર કાઢી મંદિર નિર્માણમાં તેનો સદઉપયોગ કરે છે.
આ કૂવામાં અનેક લોકો આસ્થાના પ્રતિક તરીકે ચલણી સિક્કાઓ નાખે છે. આ અંગે કલગામ હનુમાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ દલપત પટેલે જણાવ્યું હતું કે, કૂવામાં સિક્કા નાખવા અંગે ટ્રસ્ટ કે, પૂજારી કોઈ જણાવતું નથી, પરંતુ લોકો શ્રદ્ધાથી કુવામાં 1 રૂપિયા, 2 રૂપિયા, પાંચ રૂપિયાના સિક્કા નાખે છે. જે દર વર્ષે કુવાની સાફસફાઈ દરમ્યાન બહાર કાઢવામાં આવે છે. આ વખતે પણ કુવાનું પાણી ઘટતા કૂવાની સફાઈ કરવામાં આવી હતી. તેમાં રહેલા તમામ ભારતીય ચલણના સિક્કા બહાર કાઢવામાં આવ્યા હતા.
આ સિક્કા ચાલુ ભારતીય ચલણના છે અને અંદાજિત 10થી 15 હજારના છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ સિક્કાને ધોઈને સ્વચ્છ કરી તેને બેંકમાં કે, અન્ય વેપારીને આપી તે નાણાંને મંદિર નિર્માણમાં વાપરવામાં આવશે. તેમજ દર વર્ષે તેનું ઓડિટ કરી સરકારમાં જાણ પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કલગામ હનુમાન મંદિરે કુવામાંથી પૌરાણિક સિક્કા નીકળ્યા હોવાની વાત વાયુવેગે ફેલાઈ ગઇ હતી. જેને લઈને કેટલાંય ભક્તો આ સિક્કા જોવા માટે મંદિરે પહોંચ્યા હતાં.