વલસાડઃ દેશમાં લોકાડાઉનના કારણે 60થી વધુ દિવસ સુધી એસટી પરિવહન બંધ હતું. લોકડાઉન 4.0માં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે એસટી બસો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે વાપી સહિત દરેક શહેરોના એસટી ડેપો ધમધમતા થયા છે. એક સમયે 500થી વધુ ટ્રીપ સાથે રોજના પાંચથી સાત લાખ રૂપિયાની આવક મેળવતા વાપી બસ ડેપોમાં હાલ 234 ટ્રીપને જ મંજૂરી આપવામાં આવી છે. જેથી બસ ડેપોની આવક પણ ઘટીને માત્ર દોઢ લાખ જેટલી થઈ છે.
વાપી એસટી ડેપોની દૈનિક આવકમાં ઘટાડો
- લોકડાઉન 4.0માં સરકારે એસટી બસને આપી હતી મંજૂરી
- દૈનિક આવક 5થી 7 લાખની ઘટીને આશરે દોઢ લાખ થઇ
- હાલ માત્ર 234 ટ્રીપ કાર્યરત
- એસટીના કર્માચારીઓ પ્રવાસીઓના સ્ક્રિનિંગમાં જોતરાયા
જો કે, બસની ટ્રીપ ઓછી થતાં ડેપોનો મોટાભાગનો સ્ટાફ પણ કામકાજ વગર નવરો થઈ ગયો છે. આ વધારાના સ્ટાફને કાર્યરત રાખવા માટે ડેપો સંચાલકોએ તેમને બસ અને પ્રવાસીઓને સેનેટાઇઝ કરવાના કામે લગાડી દીધા છે. આથી હવે સ્ટાફ રોજ ડેપોમાં આવતા પ્રવાસીઓને સ્ક્રિનિંગ અને આવતી જતી બસને સેનેટાઇઝ કરી રહ્યો છે. કોરોના સામે રક્ષણ મેળવવા હેતુસર ડેપોના સ્ટાફ દ્વારા દરેક પ્રવાસીઓને ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઇઝ કર્યા બાદ જ બસમાં ચઢવા દેવામાં આવી રહ્યા છે.