વલસાડ: જિલ્લાના ધનોરી ગામે પટેલ ફળિયામાં રહેતા રમેશભાઈ કલ્યાણભાઈ પટેલના પત્નીનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. જે બાદ પુત્ર અને પિતા એકજ મકાનમાં ઉપર-નીચે રેહતા હતા. રમેશભાઈ અતુલ કંપનીમાં નોકરી કરતા હતા અને તેમને નજીકના એક ગામની મહિલા સાથે પ્રેમ સબંધ હતો. આ મહિલા અવાર નવાર રમેશભાઈના ઘરે આવતી હતી. જે બાબતે પુત્ર મેહુલ સાથે પિતાનો ઝગડો થયો હતો.
મેહુલ તેના પિતાના આ સંબંધથી ત્રાસી ગયો હતો. મેહુલને શંકા હતી કે પિતા પોતાની સંપત્તિ તેના ઘરે આવતી મહિલાને નામે કરી દેશે. જેના કારણે મેહુલે તેના સાળા પ્રકાશ અને નરેશની સાથે કામ કરતાં વિવેકસિંહ નામના વ્યક્તિ સાથે 15 ફેબ્રુઆરીના રોજ પિતાની હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો.
વલસાડમાં પુત્રએ સબંધી સાથે મળી પિતાને ઉતાર્યા મોતને ઘાટ, હત્યાને અકસ્માતમાં ખપાવવા પણ રચ્યો કારસો ત્રણ દિવસ પહેલાં રમેશભાઇ તેમના ખેતરમાં રાત્રે પાણી વાળવા ગયા હતા, ત્યારે આ ત્રણેય ઇસમોએ ભેગા મળી રમેશભાઈને માથાના અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારી રમેશભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા.
મૃતકના મૃતદેહને ઈલેક્ટ્રીક થાંભલાની નજીક મુકી બીજે દિવસે સવારે પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું કે, મૃતકને ઇલેક્ટ્રીક કરંટ લાગવાથી તેનું મોત થયું છે. જોકે સ્થળ પર પહોંચેલી પોલીસને આ સમગ્ર બાબત ગળે નહીં ઉતરતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ તપાસમાં ખુદ પુત્રએતેના સંબંધીઓ સાથે મળીને પિતાની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મેહુલ પ્રકાશ નરેશ અને વિવેકસિંહની પોલીસે ધરપકડ કરી છે અને તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.