- વલસાડમાં વિરવલ શાળાના શિક્ષકે માસિક સ્ત્રાવમાં વિદ્યાર્થિનીઓને તકલીફ ન પડે તે માટે પહેલ પેડ બેન્ક શરૂ કરી
- એક પુરુષ શિક્ષક તરીકે મહિલાઓને માસિક સ્ત્રાવ અંગેની જાણકારી આપવી એ ખૂબ મહત્ત્વની બાબત કહી શકાય
- માસિક સ્ત્રાવ અંગેની સમસ્યાઓ અને વિવિધ પ્રશ્નો અંગે બે મહિલાઓ પણ ખૂલીને વાત કરી શકતી નથી
- પુરૂષ શિક્ષક દ્વારા મુગ્ધાવસ્થામાં પ્રવેશતી કિશોરીઓ માટે સ્કૂલમાં પેડ બેન્કની શરૂઆત કરવામાં આવી
વલસાડઃ જિલ્લામાં આવેલી વિરવલ શાળાના શિક્ષકે માસિક સ્ત્રાવમાં વિદ્યાર્થિનીઓને શાળામાં તકલીફ ન પડે તે માટે નવી પહેલ અપનાવી છે. આ પુરૂષ શિક્ષકે વિદ્યાર્થિનીઓ માટે પહેલ પેડ બેન્ક શરૂ કરી છે. ધરમપુરમાં રહેતા અને પહેલા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા શિક્ષક ઋષિત મસરાણી અને તેમના પત્ની પૂર્વજા મસરાણી દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે, જે પૈકી મહિલાઓમાં માસિક સ્ત્રાવ અંગેની બીમારી તેમ જ તે બીમારીઓથી બચવા જાગૃતતા લાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો-ખાખીની પહેલ : 3000 જરૂરિયાતમંદ વૃદ્ધોની સુરત પોલીસ બની ગાર્ડિયન
ઋષિત મસરાણી ધરમપુર નજીકમાં આવેલી વિરમગામની સાર્વજનિક માધ્યમિક સ્કૂલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલાક સમયથી ઓછી હોવાને લઈને તેમને ચિંતા સતાવી રહી હતી. જોકે, વિદ્યાર્થીઓ કેમ ગેરહાજર રહે છે. તે અંગે તેમણે તપાસ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે, કિશોરાવસ્થામાં પ્રવેશી રહેલી વિદ્યાર્થીઓ માસિક સ્ત્રાવના કારણે ગેરહાજર રહેતી હતી, જેના કારણે તેમણે નક્કી કર્યું કે, આ તમામ વિદ્યાર્થીઓને માસિક સ્ત્રાવ અંગે તેમજ વર્તમાન સમયમાં હાઈજિન અને સેનિટરી પેડ અંગેની માહિતી આપી જાગૃત કરવા જરૂરી છે. આ માટે તેમણે સ્કૂલમાં જ પેડ બેન્કની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો-ત્રીજી લહેર અટકાવવા ડીસાના DySPની અનોખી પહેલ, પોલીસ પરિવાર માટે બનાવી "કોરોના માર્ગદર્શિકા"
એક પુરૂષ તરીકે તરૂણીઓ સાથે માસિક સ્ત્રાવ અંગે જાણકારી આપવી ખૂબ કઠિન કહી શકાય
મુગ્ધાવસ્થામાં પ્રવેશતી કિશોરીઓ અને તરૂણો માટે માસિક સ્ત્રાવ એ ખૂબ અગત્યની અવસ્થા છે. આવી અવસ્થામાંથી દરેક મહિલાઓને પસાર થવાનું રહે છે ત્યારે આવા સમયે તેઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. તેમણે કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ. કેવા પ્રકારની સ્વચ્છતા રાખવી જોઈએ. તેમ જ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારની તમામ જાણકારીઓ ઋષિતભાઈ એક પુરૂષ હોવા છતાં કોઈ પણ મહિલા કે વિદ્યાર્થિનીઓ સાથે સહેજ પણ એ વાતચીત કરીને જાણકારી આપે છે. સામાન્ય રીતે એક પુરૂષ શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓ સાથે કે મહિલાઓ સાથે માસિક સ્ત્રાવ અંગે ચર્ચા કરવી કે વાર્તાલાપ કરવો ખૂબ કઠિન બાબત છે. કારણ કે, વર્તમાન સમયમાં જ્યાં બે મહિલાઓ પણ એકબીજા સાથે માસિક સ્ત્રાવ અંગે ચર્ચા કરતા ખચકાટ અનુભવતી હોય છે ત્યારે ઋષિતભાઈ ખૂબ સહેજ અને સામાન્ય રીતે તમામ પ્રકારની જાણકારીઓ વિદ્યાર્થીનીઓને પૂરી પાડે છે.