- શિયાળામાં શાકભાજીનું થયું મબલક ઉત્પાદન
- મબલક ઉત્પાદનને કારણે ફળ શાકભાજી થયા સસ્તા
- કોરોના કાળ અને ખેડૂત આંદોલનની અસર શાકભાજી પર
- સસ્તી થઈ શાકભાજી પણ ખરીદનારા નથી મળતા
વાપીઃ વલસાડ જિલ્લો શાકભાજી અને ફળ માટે જાણીતો છે. અહીં સ્થાનિક બજારમાં લોકલ અને અન્ય રાજ્યમાંથી મબલક શાકભાજી અને ફળો ઠલવાતા આવ્યા છે. જો કે હાલમાં વાપીના વેપારીઓ માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. વેપારીઓના મતે પહેલા કોરોના કાળની મુશ્કેલી હતી. હવે ખેડૂત આંદોલન પણ ચાલી રહ્યું હોવાથી મબલક ઉત્પાદન સાથે ભાવ ખુબજ નીચા આવ્યા છે. પરંતુ તેને ખરીદનારા ગ્રાહકો માર્કેટમાં આવતા નથી. કોરોના કહેરના મરણતોલ ફટકા બાદ દેશના ખેડૂતોનું આંદોલન શાકભાજીના વેપારીઓ માટે મુશ્કેલ બન્યું છે. પખવાડિયા પહેલા શાકભાજી અને ફળના આસમાને પહોંચેલા ભાવ ગગડયા છે. મબલક ઉત્પાદન સામે ખરીદનારા ગ્રાહકો ગાયબ હોય વેપારીઓએ શાકભાજી ફળ-ફળાદીને ફેંકવાની નોબત આવી છે.
વાપીમાં શાકભાજી અને ફ્રુટની 3 જેટલી મુખ્ય માર્કેટ આવેલી છે. જેમાં સ્થાનિક તેમજ અન્ય જિલ્લા અને રાજ્યની પુષ્કળ શાકભાજી આવતી હોય છે. જો કે હાલમાં શાકભાજીના ભાવ ખૂબ જ નીચા ગયા છે. તેમ છતાં શાકભાજી ખરીદનારા નથી. આ અંગે વાપીમાં હોલસેલ શાકભાજીનું વેંચાણ કરતા સચિન ગોણનું કહેવું છે કે, 15 દિવસ પહેલા જે શાકભાજી અને ફ્રૂટ 50 થી 80 રૂપિયા કિલો હતાં, તે હવે 10 થી 40 રૂપિયાએ કિલો વેંચાઈ રહ્યા છે. પરંતુ માર્કેટમાં ગ્રાહકો નથી. કોરોના કાળમાં નુકસાન વેઠનારા ખેડૂતો, વેપારીઓ હાલ મબલક ઉત્પાદન બાદ પણ ખોટ વેઠી રહ્યા છે. ગ્રાહકો નહિ મળવાને કારણે શાકભાજી અને ફ્રૂટ બગડી રહ્યા છે. આથી વેંચાણ કરવાને બદલે ફેંકવા પડી રહ્યા છે.
ગ્રાહકો નહિ મળવાને કારણે શાકભાજી-ફળને નુકસાન