વાપી: ધર્મનો ભેદભાવ ભુલીને સાચી માનવતા કોને કહેવાય તેનું ઉદાહરણ વાપીની મુસ્લિમ સંસ્થાએ પુરુ પાડ્યુ છે. વર્ષોથી રેલવે સ્ટેશન કે અન્ય જાહેર સ્થળો પર અજાણ્યા મૃતદેહોને ધાર્મિક વિધિ મુજબ મુક્તિ આપતી જમીયતે ઉલેમાએ ટ્રસ્ટના સભ્યોએ હિન્દુ મહિલાના મૃતદેહને હિન્દુ વિધિ મુજબ તો મુસ્લિમ પુરુષના મૃતદેહને મુસ્લિમ વિધિ મુજબ દફનવિધિ અને અગ્નિસંસ્કાર કરી માનવતાની સાચી ઓળખ કરાવી છે.
જમીયતે ઉલેમાએ વાપી ટ્રસ્ટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું
દેશમાં જાતિવાદને લઈને ઘણીવાર તંગદિલીનો માહોલ ઉભો થતો હોય છે.ત્યારે ધર્મનો ભેદભાવ ભુલીને સાચી માનવતા કોને કહેવાય તેનું ઉદાહરણ વાપીની મુસ્લિમ સંસ્થાએ પુરુ પાડ્યુ છે.
વાપીમાં રવિવારે રાત્રે બે અલગ અલગ વિસ્તારમાં બે અજાણ્યા મૃતદેહો મળી આવ્યાં હતાં. જે અંગે વાપી ટાઉન પોલીસ મથકને જાણ થતાં ઘટના સ્થળે જઇ બન્ને મૃતદેહોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બંને મૃતદેહોમાં એક મૃતદેહ ભિખારી મહિલાનો જ્યારે બીજો મૃતદેહ પુરુષનો હતો. જેમના કોઈ વાલી વારસ સામે આવ્યા નહોતા. એટલે આવા અજાણ્યા મૃતદેહોને અંતિમધામ સુધી પહોંચાડવાની કામગીરી કરતા વાપી જમીયતે ઉલેમાએ ટ્રસ્ટના સભ્ય ઇન્તેખાબ ખાનને જાણ કરી હતી.
આ અંગે વધુ મળતી વિગતો મુજબ રવિવારે મોડી રાત્રે વાપીમાં નેશનલ હાઇવે પર ફોર્ડ શૉ-રૂમ નજીક અને એ જ અરસામાં વાપી નજીકના સુલપડ ખાતે એમ 2 મૃતદેહ મળી આવ્યાં હતાં. જેનો વાપી પોલીસે કબ્જો લઈ ચલા PHC ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં.
જ્યાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ થયા બાદ જમીયતે ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા હિન્દુ ધર્મની મહિલાને દમણગંગા મુક્તિધામ ખાતે હિન્દુવિધિ મુજબ અગ્નિસંસ્કાર કર્યા હતાં. જ્યારે અન્ય મૃતક પુરુષ મુસ્લિમ હોય તેના મૃતદેહને મુસ્લિમ વિધિ મુજબ વાપી કબ્રસ્તાનમાં દફનવિધિ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ આલમખાન અને એમના ટ્રસ્ટના મેમ્બર શહેઝાદ સહિતના સભ્યો વર્ષોથી રેલવે સ્ટેશને અને શહેરમાં જે પણ અજાણ્યા મૃતદેહો મળે તેને જે તે ધર્મની વિધિ મુજબ મુક્તિ આપતા આવ્યા છે. આ સેવા માટે સંસ્થા પોતાની જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે. એ પણ એકદમ નિઃસ્વાર્થભાવે જે માટે એક પણ પૈસો કોઈ પાસેથી સ્વીકારતા નથી.