વાપી: શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હર્બલ ગાર્ડન, તુલસી, અરડૂસીનાં રોપાનું વિતરણ, રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાના કલેકટર અને ધારાસભ્ય સહિત વાપી ઉદ્યોગ જગતના ઉદ્યોગકારો ઉપસ્થિતિ રહ્યા હતાં.
વાપીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે હર્બલ ગાર્ડન અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું - હર્બલ ગાર્ડન અને રક્તદાન કેમ્પ
વિશ્વ પર્યાવરણ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધરતી અને પર્યાવરણને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે વાપીમાં પણ હર્બલ ગાર્ડન, તુલસી, અરડૂસીના રોપાનું વિતરણ અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
![વાપીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે હર્બલ ગાર્ડન અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું Etv Bharat, Gujarati News, Vapi News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7486047-940-7486047-1591343771016.jpg)
આ ઉપરાંત તમામ મહાનુભાવોના હસ્તે રોફેલ કોલેજ આગળ વૃક્ષારોપણ કરી ગુંજન વિસ્તારમાં કોરોનાની લોકજાગૃતિ માટે નિશુલ્ક તુલસી અરડુસી જેવા આયુર્વેદિક છોડનું તેમજ ફેસ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં વલસાડ જિલ્લાના કલેકટર આર.આર રાવલ તેમજ પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે ગુંજન વિસ્તારના શાકભાજી વેચનારાઓ માટે પણ નિઃશુલ્ક ફેસ માસ્ક તથા હેન્ડ ગ્લોવ્ઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ દ્વારા બાયોડાઈવર્સિટીની થીમ પર એક વેબીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન હાલમાં કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને આ તમામ કાર્યક્રમો સરકારની ગાઇડલાઇનને અનુસરીને કરવામાં આવ્યા હતા. જેમાં દર વખતની જેમ આ વખતે ભવ્ય આયોજન કરવાનું ટાળ્યું હતું અને ઉદ્યોગકારોની પાંખી હાજરી વચ્ચે પર્યાવરણ દિવસની ઉજવણી થઇ હતી.