ગુજરાત

gujarat

ETV Bharat / state

સરીગામમાં ભારે વરસાદમાં 15 લોકો પોતાના વાહન સાથે તણાયા, ફાયર વિભાગે જહેમત કરીને બચાવ્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે સવારે 6 થી 10 વાગ્યા દરમ્યાન વરસેલા જોરદાર વરસાદમાં સરીગામ GIDCમાં મદુરા અને વેસ્ટર્ન કંપનીના વળાંકમાં તેમજ JBF કંપની નજીક પાણીમાં તણાયેલ બાઇક-કાર સહિત 15 લોકોને ફાયરે રેસ્ક્યૂ કર્યા હતાં. જ્યારે એક કાર પાણીમાં 1 કિલોમીટર સુધી તણાઈ હતી. જ્યાંથી ફાયરના જવાનોએ તેને બહાર કાઢી હતી.

સરીગામમાં ભારે વરસાદમાં 15 લોકો પોતાના વાહન સાથે તણાયા
સરીગામમાં ભારે વરસાદમાં 15 લોકો પોતાના વાહન સાથે તણાયા

By

Published : Jul 18, 2021, 10:25 PM IST

  • પાણીમાં તણાયેલા 15 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યા
  • એક કાર પાણીમાં 1 કિલોમીટર સુધી તણાઈ
  • વરસાદે નીચાણવાળા વિસ્તારમાં ભારે તબાહી મચાવી

સરીગામ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રવિવારે મેઘરાજાએ પોતાના રૌદ્ર સ્વરૂપનો પરચો બતાવ્યો હતો. માત્ર 4 કલાકમાં જ 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી ભરાયા હતાં. એવામાં સરીગામ GIDC વિસ્તારમાં વરસાદી પાણીના વહેણ પર ઉભી કરેલી ઇમારતો અને ઔદ્યોગિક એકમોને કારણે કમર સુધીના પાણી ભરાયા હતાં. જેમાં કાર-બાઇક સાથે તણાયેલાં 15 જેટલા લોકોને સરીગામ ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યા હતાં.

સરીગામમાં ભારે વરસાદમાં 15 લોકો પોતાના વાહન સાથે તણાયા

કુદરતી વહેણ પર બાંધકામ ખડકી દેતા કમર સુધીના પાણી ફરી વળ્યા

સરીગામ GIDCમાં વિવિધ કંપનીઓએ કુદરતી વહેંણ પર બાંધકામ ખડકી દીધા બાદ રવિવારે અહીં રસ્તા પર કમર સુધીના પાણી ફરી વળ્યા હતા. જે પાણીમાંથી પસાર થવાનું સાહસ કરનારા 15 લોકો તણાયા હતાં. આ અંગે સરીગામ ફાયર વિભાગના ફાયર ઓફિસર સનત સોનીએ જણાવ્યું હતું કે, તેમને ભિલાડ પોલીસ મથકમાંથી કોલ આવ્યો હતો કે, અહીં કેટલાક લોકો કાર અને બાઇક સાથે તણાયા છે. એટલે તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં JBF કંપની પાસે 2 બાઇક સવાર અને એક સાયકલ સવારને રેસ્ક્યૂ કર્યા હતાં. જ્યારે વેસ્ટર્ન કંપની અને મદુરા કંપનીના વળાંકમાં આવેલા નાળામાંથી 5 વાહનો અને 12 જેટલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.

સવારે તણાયેલી કાર સાંજે 5 વાગ્યે મળી

ભારે વરસાદમાં શરદ શિંદે નામના કાર ચાલકની વેગન આર કાર પાણીમાં તણાઈ હતી. જે છેક સાંજે 5 વાગ્યે એક કિલોમીટર દૂરથી મળી આવી હતી. ફૈઝલ નામનો સેલવાસનો બાઇક ચાલક પણ આ વહેણમાં તણાયો હતો અને બાઇક સાથે નાળામાં ફસાઈ ગયો હતો. જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરીગામ બાયપાસ ઉપર મદુરા કંપનીની બાજુમાં એક કુદરતી વહેણ છે. આ ટર્નિંગ પોઇન્ટ પર એક નાનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. એટલે ત્યાં ભરાયેલા પાણીને કારણે વાહનચાલકો રસ્તાનો કયાસ કાઢી શક્યા નહોતા અને નોકરી પર જલ્દી પહોંચવાની લ્હાયમાં પાણીમાં બાઇક-કાર સાથે તણાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details