વલસાડ: જિલ્લામાં બુધવાર વહેલી સવારથી છ વાગ્યથી બપોરના બે વાગ્યા સુધીમાં પડેલા સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે. જેને પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. વલસાડ શહેરના ઘણા બજાર ખત્રીવાડ જેવા અનેક વિસ્તારમાં બજારોમાં ઢીંચણ સુધીના પાણી ભરાઇ જતા દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોગરા વાળી રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઇ જતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વ્યાપક પ્રમાણમાં મેઘરાજાએ મહેર મૂકી છે. જિલ્લાના છ તાલુકામાં ધીમો વરસાદ વરસી રહ્યો છે. કેટલાક તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. બુધવાર વહેલી સવારના છ વાગ્યાથી 2:00 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં બે ઇંચ જેટલો ખાબકયો હતો. વલસાડ શહેરના આસપાસના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.