વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વલસાડ શહેરના છીપવાડ ગરનાળા તેમજ મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાઇ જતાં આવાગમન માટે બિલકુલ બંધ કરી દેવામાં આવ્યું હતું.
વલસાડ શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વલસાડઃ શહેરમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વલસાડના છીપવાડ ગરનાળુ, મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા હતા. આ સાથે-સાથે બંદર રોડ બ્રિજ અને કૈલાશ રોડ બ્રિજ લોકોમાં આવાગમન માટે બંધ કરવામાં આવ્યા હતા.
ઔરંગા નદીની વધી રહેલી જળ સપાટીને ધ્યાને લઇ સરકારી તંત્ર દ્વારા ઔરંગા નદી પર બનેલા કૈલાસ રોડનો બ્રિજ તેમજ બંદર રોડ પરનો બ્રિજ લોકોના આવાગમન માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે-સાથે વલસાડના બંદર રોડ થી લીલાપોરને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ નજીક વહેતી ઔરંગા નદી એ એની ભયજનક સપાટી વટાવી જેને લઇ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બપોરના સમયે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનું પાણી નદી મારફતે વલસાડ સુધી આવી પહોંચતા ઔરંગા નદી તેની ભયજનક સપાટી વટાવી હતી અને બંદર રોડ અને કૈલાશ રોડ પરના બ્રિજ ઉપરથી પાણી વહ્યું હતું અને બંને ડુબાણમાં ગયા હતા. વલસાડ શહેરમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની એક ટીમ સતત અહીં તેનાત કરવામાં આવી છે અને તે દરેક ગતિવિધી ઉપર નજર રાખી રહી છે.
.