વલસાડ : બેક્ટેરીયા દ્વારા ફેલાતો ટ્યુબર ક્યુલોસીસ એટલે કે ટીબીનો રોગ સદીઓ જૂનો છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ અને સરકારના મોનીટરીંગનાં કારણે ટીબીની ઘાતકતા ઘટી છે. પણ, આ રોગ નિર્મૂળ થયો નથી. આપને જાણીને આઘાત લાગશે કે, આજે પણ જિલ્લામાં ટીબીના વર્ષે સરેરાશ 1600થી 1700 દર્દીઓ નોંધાયા છે. હાલ સરકાર દ્વારા 2025 સુધીમાં આ રોગને નિર્મૂળ કરવાની યોજના છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં 2022 સુધીમાં નિર્મૂળ કરવા જિલ્લા ક્ષય રોગ વિભાગ સતત મોનીટરીંગ કરી ટીબીના દર્દીઓ શોધી તેને સાજા કરવા મચી પડ્યું છે. જેમાં ગત વર્ષે 6000 લોકોની તપાસ કર્યા બાદ 3100 દર્દીઓને શોધી કાઢી તેની સારવાર શરૂ કરાવી છે. જેમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ 868 કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લા ક્ષય રોગ અધિકારી સી. બી. ચોબીસાના જણાવ્યાં મુજબ, કુલ દર્દીઓમાં 90 ટકા સફળતા મળી છે.
વિશ્વમાં સરેરાશ દર દોઢ મિનિટે ટીબીના લીધે એક વ્યક્તિનું મોત થાય છે. શહેરો અને ગામડાઓમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગરીબ હોય કે, તવંગર બાળક હોય કે વૃદ્ધ ગમે તેને તેનો ચેપ લાગુ પડે છે. ગીચ માનવ વસ્તીમાં તેના જંતુઓ વધુ ઝડપી પ્રસરે છે. સરેરાશ 40 ટકા માણસના શરીરમાં ટીબીના જંતુ એકવાર જતા હોય છે. જો કે, સારી રોગ પ્રતિકારક શક્તિ હોય તો ટીબી જલ્દી લાગુ થતો નથી. વલસાડ જિલ્લામાં વાપી-સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં અને વલસાડ જેવા શહેરી વિસ્તારમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે.