વાપી: ભારતીય મહિલાઓમાં સોનાનું આકર્ષણ આદિકાળથી છે. દરેક તહેવારોમાં લોકો નાની-મોટી સોના-ચાંદીની ચીજવસ્તુઓ કે આભૂષણો ખરીદી શુકન સાચવતા હોય છે. એમાંય લગ્ન સીઝન વખતે સોના-ચાંદીની દુકાનોમાં તેજીનો તણખો ઝરે છે. જો કે, હાલમાં સોના-ચાંદીમાં તોલાનો ભાવ 40 હજાર આસપાસ રહેતા બુલિયન બઝારમાં મંદીનો પવન ફૂંકાયો છે અને ઘરાકી 25 ટકા પર આવી ગઈ છે. આ અંગે જવેલર્સનું કહેવું છે કે, આ વખતે એક્સપોર્ટ ડ્યુટીના કારણે અને ઈરાન-અમેરિકાના યુદ્ધ જેવા માહેલ વચ્ચે ભારતીય બઝારમાં સોનાનો ભાવ વધતા લગ્નગાળાની સીઝન હોવા છતાં ગ્રાહકો સોનું ખરીદતા અચકાઈ રહ્યાં છે.
બુલિયન બઝારમાં વર્તાઈ રહેલી મંદી અંગે વાપીના ભવાની જવેલર્સના રમેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, એક્સપોર્ટ ડ્યુટીના કારણે ભાવ વધઘટ થઇ રહ્યા છે અને 40 હજાર સુધી પહોંચી ગયા છે. લગ્નસરાની સીઝન હોવા છતાં ઘરાકી ઘટી છે. લોકો હવે સોનાના ઘરેણાને બદલે ઇમિટેશન જ્વેલરી વધુ પસંદ કરે છે. દસ વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં ઘણો જ ફરક પડ્યો છે. સોનાની ખરીદીમાં લોકો જે 2 તોલા સોનું ખરીદતા હતાં. હવે બે ગ્રામ પર આવી ગયા છે. ચાંદીમાં માત્ર સાંકળા, વીંટી કે સિક્કા જેવા દાગીના ખરીદે છે. ગત વર્ષે માર્કેટમાં એક તોલું સોનાનો ભાવ 25 હજાર હતો. જે આ વર્ષે 40 હજાર પર પહોંચી ગયો છે. લોકો હવે 24 કે 22 કેરેટને બદલે 18 કેરેટના દાગીના વધુ પસંદ કરી રહ્યા છે.