વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામ ખાતે ગ્રામ પંચાયત, જૈન સોશ્યલ ગ્રૂપ, BSF,સ્થાનિક ઔદ્યોગિક એકમના ઉદ્યોગકાર અને દાતાઓના સહયોગથી સુંદર વૈકુંઠધામ બનાવવામાં આવ્યું છે. આ વૈકુંઠધામમાં મોક્ષરથની જરૂરિયાત હોવાથી ગ્રામ પંચાયત અને અન્ય દાતાઓના સહયોગથી મોક્ષરથની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયતના 160 લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ-ચૂલાના વિતરણ કાર્યક્રમ અને મોક્ષરથના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગામના અગ્રણી નાગરિકો, લાભાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યના આદિજાતિ અને વન પર્યાવરણ પ્રધાન રમણ પાટકર, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે. સી. પટેલ, પારડીના ધારાસભ્ય અને વલસાડ જિલ્લા પ્રમુખ કનું દેસાઈએ લાભાર્થીઓને ગેસ-ચૂલાનું વિતરણ અને મોક્ષરસથનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ પ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, ઉમરગામ તાલુકામાં 18 હજાર ઘરોમાં ગેસ પાઈપલાઈન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એ ઉપરાંત તમામ ગેસની જરૂરિયાતવાળા લાભાર્થીઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ-ચૂલાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉમરગામ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતમાં મોટું સ્મશાન બનાવવા સરકાર તરફથી 5 લાખની સહાય કરવામાં આવી રહી છે. વૈકુંઠધામ ધામ બાગ-બગીચા સાથેનું સુવિધા સજ્જ વૈકુંઠધામ છે. જે દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યું છે.
વલસાડના ડહેલીમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ ચૂલા વિતરણ કરાયું રમણ પાટકરે કહ્યુ કે, થોડા દિવસ પહેલા 15 જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને સરકારી સહાયના હપ્તા મળ્યા નથી. આવાસો તૈયાર થાય નથી. એ અંગે ઉમરગામ TDOને પત્ર લખી ખુલાસો માંગ્યો છે.
કાર્યક્રમમમાં ઉપસ્થિત વલસાડના સાંસદ ડૉ. કે. સી. પટેલે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થવાથી કાશ્મીર પ્રગતિના પંથે આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિતશાહને અભિનંદન આપ્યા હતા.ડહેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ,તલાટી સહિત તમામ આગેવાનો, દાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.