વલસાડ: ગુજરાતની આગવી ઓળખ ગણાતા ગરબા પર આ વખતે કોરોનાનું ગ્રહણ લાગતા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવું કે નહીં તે અંગે સરકાર અવઢવમાં મુકાઇ છે. મોટા શહેરોમાં થતાં ગરબા આયોજનો મોકૂફ રાખવામાં આવતા નાના શહેરોમાં પણ સંક્રમણ ન ફેલાય તે માટે કાર્યક્રમો બંધ રાખવામાં આવી રહ્યા છે.
વલસાડ શહેરના 3 મોટા નવરાત્રી આયોજકો અનાવિલ સમાજ પરિવાર, ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે કોરોના સામે તકેદારીના ભાગરૂપે નવરાત્રી આયોજન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જે એક પ્રશંસનીય પગલું છે.
વલસાડના નવરાત્રી આયોજકોએ ગરબા મોકૂફ રાખવાની કરી જાહેરાત એક તરફ સમગ્ર વર્ષ દરમિયાન નવરાત્રી પર્વની આતુરતાપૂર્વક રાહ જોતા અને તેના માટે વિવિધ તૈયારીઓ કરતા ખેલૈયાઓ છે, તો બીજી તરફ કોરોના અને તેની ઘાતક અસરો. જો ગાઇડલાઇન્સના પાલન સાથે પણ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન થાય તો વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનું સંક્રમણ મોટાપાયે ફેલાય તેવી શક્યતાઓ અવગણી શકાય નહીં. જો ગરબાનું આયોજન કરવામાં આવે તો લોકો સેંકડોની સંખ્યામાં ઉમટી પડે એમ છે, તેમજ વારંવાર લોકોને ગાઇડલાઇન્સનું પાલન કરવા સમજાવવા એ પણ શક્ય નથી. તો બીજી તરફ ગરબામાં એક-બે રાઉન્ડ રમાયા બાદ સામાન્યપણે લોકો હાંફી જતા હોય છે. જેથી માસ્ક આવા સમયે કામ આવી શકે તેમ નથી.
આ ઉપરાંત આયોજકોનું કહેવું છે કે, દર વર્ષે આયોજનમાં ટિકિટના ભાવ એકસરખા રહે છે, પરંતુ ઓરકેસ્ટ્રા, ગાયકો, ઇલેક્ટ્રિક બિલ જેવા અનેક ખર્ચાઓ વધતા રહે છે. આમ છતાં પણ દરેક ખેલૈયાઓના ઉત્સાહને માન આપીને ગરબાનું આયોજન થતું હોય છે. જો કે, આ વર્ષે લોકોએ ગત વર્ષના ગરબાના વીડિયો જોઈને જ નવરાત્રીનો આનંદ લેવાનો રહેશે તેમ જણાઇ રહ્યુ છે.
વલસાડથી તેજસ દેસાઇનો વિશેષ અહેવાલ.