વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 10 હજારની આસપાસ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. જેના વિસર્જન માટે વાપીમાં દમણગંગા નદી, દમણના દરિયા કિનારા સહિત જિલ્લાની વિવિધ નદીઓ પર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દોઢ દિવસની મૂર્તિનું સ્થાપન કરનારા ગણેશ ભક્તોએ ગણેશજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક અંતિમ આરતી કરી ભીની આંખે વિસર્જિત કરી હતી.
ગણપતિનું દમણગંગા નદીના કિનારે ભક્તોએ કર્યું વિસર્જન - damanganga river
વાપી: સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ગણેશ મહોત્સવ ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ભક્તોએ વાપીની દમણગંગા નદી કિનારે તેમજ દમણના દરિયા કિનારા સહિત વિવિધ નદીઓમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. મોટેભાગે પોતાના ઘર કે સોસાયટીમાં બિરાજમાન કરેલા ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીમાં વસતા ગુજરાતી, મરાઠી અને બંગાલી સમાજના લોકોએ બાપ્પાની અંતિમ આરતી ઉતારી વિદાય આપી હતી.
દમણ ગંગા નદી કિનારે વાપીમાં વસતા ગુજરાતી, મરાઠી અને બંગાલી સમાજના લોકોએ દોઢ દિવસની મૂર્તિના વિસર્જન પ્રસંગે જણાવ્યું હતું કે દુંદાળા દેવને જ્યારે ધામધૂમથી ઘરે લાવીએ છીએ ત્યારે તેની પૂજા અર્ચના કરવામાં જેટલો ઉત્સાહ હોય છે. તેનાથી અનેક ગણું દુઃખ બાપ્પાના વિસર્જન વખતે થાય છે. દોઢ દિવસ ઘર અને સોસાયટીમાં ઉત્સાહનો માહોલ હોય છે. ગણપતિજીના વિસર્જન પ્રસંગે દમણ ગંગા નદી ખાતે પોલીસ સમન્વયની ટીમ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. દમણગંગા નદી કિનારે ફાયર અને પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જેઓ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન તમામ મૂર્તિઓનું નદીના પ્રવાહમાં વિસર્જન કરાવે છે.
દમણગંગા નદી કિનારે પ્રથમ દોઢ દિવસના ગણપતિ વિસર્જન દરમ્યાન 245 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ મળી અન્ય નદીઓ, દરિયા કાંઠે 1200 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરી ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લવકર્યાના નાદ સાથે વિદાય આપી હતી.