વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ બાતમીના આધારે શનિવારે વલવાડા ગામમાં એક મકાનમાં રેડ કરવા ગયા હતાં. રેડ દરમ્યાન મહિલા સહિત ચાર પૈકી એક પોલીસ જવાન પર બુટલગર, તેના બે પુત્રો સહિત ચાર શખ્સોએ હુમલો કયોઁ હતો. આરોપીઓએ તુ અમારા ઘરે દારૂની રેડ કરવા કેમ આવ્યો, આજે તો તને છોડીશું નહી એમ કહી હુમલો કર્યો હતો.
બુટલેગરો બેફામ! ભિલાડમાં પોલીસ પર કર્યો હુમલો, વાપીમાં દારૂ સાથે 4 બુટલેગરો ઝડપાયા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ ભિલાડ પોલીસના જવાન સુનિલ પ્રતાપભાઇ, રિતેશ, ધમેઁશ અને શોભનાબેન બાતમીના આધારે ભિલાડના વલવાડા ગામે તળાવ ફળિયામાં કાંતિ નારણ પટેલને ત્યાં ગઇકાલે શનિવારે રાત્રે રેડ કરવા પહોંચ્યા હતાં. બાદમાં ચાર પૈકી સુનિલ મકાનમાં પ્રવેશતા દારૂનો જથ્થો નજરે ચઢયો હતો. જો કે કાંતિ પટેલના બે પુત્રો ચિંતન અને ચેતન દોડી આવી સુનિલને તુ અમારા ઘરે રેડ કરવા કેમ આવ્યો, તને છોડીશું નહી એમ કહી માર માયોઁ હતો.
પોલીસે મકાનમાંથી દારૂની 68 નંગ બોટલો, 4 બાઇક અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર કાંતિ પટેલ, પત્ની સીતાબેન, ચિંતન અને ચેતન મળી ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.
વાપીમાં કચીગામ રોડ પર બાતમી આધારે વલસાડ LCB ની ટીમે એક રિક્ષાને રોકી તપાસ કરતા તેમાંથી 322 નંગ દમણિયા દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે રિક્ષામાં સવાર ઉધનાની મહિલા જમના આનંદ શિંદે, રીક્ષા ચાલક સુદ્ધાંશું ગજેન્દ્ર સ્વાઈ, અખિલેશ મહેશ જયસ્વાલ અને એક નાબાલિક યુવક સાથે 4 લોકોની ધરપકડ કરી 28340નો દારૂ, 30 હજારની રીક્ષા, 4500 રૂપિયાના મોબાઈલ સાથે કુલ 62 હજારનો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે. તો, વાપીની સંસ્કાર ભારતી સ્કૂલ નજીકથી અન્ય એક રિક્ષામાંથી 11 હજારનો દારૂ ઝપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ દિવાળી મહાપર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે. તેમ તેમ ગુજરાતમાં ઠલવાતા દારૂના બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. જેની સામે બુટલેગરો પણ બેફામ બની પોલીસ પર હુમલો કરતા પણ અચકાતા નથી. જે બતાવે છે કે પોલીસે જ દૂધ પાઈને મોટા કરેલા સાપોલિયા હવે સાપ બનીને ફુફાંડા મારી રહ્યા છે.