JBF કંપનીના પબ્લિક હિયરિંગ અંગે સરીગામના માજી સરપંચ અને સામાજિક કાર્યકર પ્રકાશ આરેકરે પત્રમાં જણાવ્યું કે, ત્રણ દાયકાથી સરીગામ અને આજુબાજુના ગામડાઓમાં નિયંત્રણ બહાર થયેલા હવા, પાણી, ધ્વનિ પ્રદુષણ અને સોલિડ વેસ્ટથી હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જેનો ઉકેલ આવતો નથી. દર વખતે જાહેર સુનાવણીના નાટક દ્વારા ઔપચારિક જાહેર સુનાવણી પૂરી કરવામાં આવે છે અને પ્રજાનો અવાજ દબાવી દેવામાં આવે છે. સરીગામ ખાતે મોટા ભાગની જાહેર સુનાવણીમાં પ્રજાએ 100% વાંધાઓ રજુ કર્યા હોવા છતાં કંપનીઓને સહેલાઇથી મંજૂરીઓ મળી ગઈ છે, તો પછી આવી સુનાવણી શા માટે યોજવી જોઇએ ?
JBF કંપનીની લોકસુનાવણીનો સરીગામના માજી સરપંચે કર્યો વિરોધ
07:19 August 27
વલસાડઃ ઉમરગામ તાલુકાની સરીગામ GIDCમાં 10મી સપ્ટેમ્બરે JBF કંપનીમાં 9.9 મેગાવોટના કેપ્ટિવ પાવર પ્લાન્ટ જનરેશનના ઉત્પાદન માટે લોક સુનાવણી યોજાવાની છે. જેનો સરીગામના જાગૃત નાગરિક અને માજી સરપંચે વિરોધ કર્યો છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરમાં સભ્ય સચિવને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે.
પ્રકાશ આરેકરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે આ પ્રકારની લોકસુનાવણી યોજવામાં આવે છે ત્યારે કંપનીઓને જે તે વ્યક્તિના વિરોધનો ડર લાગતા તેમને પ્રલોભન આપી ખુશ કરી દેવામાં આવે છે અને બિચારી પ્રજા આ પ્રદૂષણનો ભોગ બને છે. જેથી લોકસુનાવણી અહીંના રહેવાસીઓ માટે સુનામી સમાન બની રહે છે. GIDC માં વિકાસ થાય તેની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ જો વિકાસમાં પશુ-પક્ષીઓ જીવ ગુમાવે, ખેતીવાડી બરબાદ કરે, માનવજીવનને પાયમાલ કરે તો તે વિકાસ શું કામનો ?
મહત્વનું છે કે, મહાકાય ઔદ્યોગિક એકમો સરીગામ અને અન્ય ગામોના રહેઠાણ વિસ્તારથી માત્ર અડધાથી એક કિ.મી. ના અંતરમાં જ ધમધમી રહ્યા છે. જેમાં કેમિકલ અને કોલસા આધારિત અનેક પ્લાન્ટ આવેલા છે જેને કારણે અહીંના લોકો પ્રદુષણનો ખૂબ જ ભોગ બની રહ્યા છે. મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની છે. કોલસાની ભૂકી ઉડીને આરોગ્ય જોખમમાં મૂકી રહી છે અને ધ્વનિ પ્રદૂષણ વધી રહ્યું છે. પર્યાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેને ધ્યાને રાખી આ પ્લાન્ટ સામે અમારો સખત વિરોધ છે. જો તેમ છતાં કોલસા પર ચાલતો પ્લાન્ટ બનાવવા માટે મંજૂરી આપશો તો આ વિસ્તારના મુખ્ય માર્ગ પર સેંકડો કોલસાની ટ્રકો આવશે અને સરીગામની દશા બગડી જશે.
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખને પણ કારખાનામાં અવરજવર કરતા ભારે વાહનો અને પ્રદૂષણ મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. અમારા જીવનની જો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પરવા હોય તો, તે વિભાગમાં કોલસાથી વીજળી ઉત્પાદન કરતા આયોજનને હટાવી દો, કોઈ નવા કેમિકલના કારખાનાઓને મંજૂરી પણ આપતા નહીં અને અમને સુખેથી જીવવા દો. વિકાસ તો અમને પણ જોઈએ છે, પરંતુ વિનાશના ભોગે કોઈ સંજોગોમાં જોઈતો નથી કેમ કે, સ્થાનિક પ્રજાને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ કે અન્ય સુવિધા ઉદ્યોગો તરફથી ક્યારેય ઉપલબ્ધ થઈ નથી અને નોકરી પણ મળી નથી. અહીં તો માત્ર કોન્ટ્રાક્ટ પદ્ધતિ જ જોરમાં ચાલે છે. હવે જોવાનું રહ્યું કે, આગામી દિવસોમાં આ વિરોધ કેટલો ઉગ્ર બને છે અને લોક સુનાવણી દરમિયાન ગામ લોકો કેવા પ્રકારનો વિરોધ વ્યક્ત કરે છે.