વલસાડ: બે મહિના પહેલા બિહારમાં જમાતના કાર્યક્રમમાં ગયેલા અતુલ ગામના કેટલાક મુસ્લિમ યુવાનો લોકડાઉન થતા ત્યાં જ ફસાઈ ગયા હતા તેમને ત્યાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ત્યાંથી જમીયતે ઉલેમા એ હિન્દ અતુલ અને વાપીના સહયોગથી વલસાડ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ફરી 14 દિવસ અતુલ ખાતે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.
અતુલ ગામના સરપંચે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું, ક્વોરેન્ટાઈન થયેલા રોઝેદારો માટે ઇફ્તારનું આયોજન કર્યુ - gujarat under lockdown
હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે બિહારમાં જમાતના કાર્યક્રમમાં બે મહિના પહેલા ગયેલા 10 જેટલા યુવાનો વલસાડ ખાતે પરત ફર્યા બાદ હાલ તેમને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. ત્યારે અલ્લાહની બંદગી કરતા આ તમામ યુવાનો માટે હિન્દુ-મુસ્લિમ કોમી એકતા અને ભાઈચારાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરતા અતુલ ગામના સરપંચ દ્વારા ઇફતાર માટે ફળો આપવામાં આવ્યા હતા.
હાલમાં મુસ્લિમ બિરાદારોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. ત્યારે હિન્દ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનો એક સંદેશો સમાજમાં પહોચે એવા ઉમદા હેતુથી અતુલના સરપંચ કેતનભાઈ પટેલ અને તાલુકા પંચાયત કારોબારી સભ્ય દિવ્યેશ પટેલના સહયોગ દ્વારા ક્વોરેન્ટાઈન હોવા છતા પણ રોઝા રાખી બંદગી કરતા મુસ્લિમ બિરાદારોને ઇફતાર કરવા માટે ફળો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જમીયતે ઉલેમા એ હિન્દના ઇઝહારભાઈ કાઝીએ જણાવ્યું કે, એકતરફ જ્યાં દેશમાં લોકડાઉન છે અને અનેક સ્થળે બે કોમને લઈ વાતવરણ તંગ બની રહ્યુ છે. ત્યારે અતુલના સરપંચ દ્વારા ભાઈચારાના સંદેશ સાથે જે ઇફતાર માટે ફળો આપવામાં આવ્યા છે. તે સૂચવે છે કે વલસાડ જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારો હંમેશા કાયમ રહેશે. તેમણે અન્ય લોકોને પણ પવિત્ર માસમાં ભાઈચારો જાળવવા અને કોમી એકતા જાળવી રાખવા માટે અપીલ કરી હતી. આ સમગ્ર કામગીરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કરવામાં આવી હતી.