- સુથારપાડા ગ્રામ પંચાયત દ્વારા 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ
- નાસિક બોર્ડર પાસેથી આવન-જાવન વધુ હોવાથી લેવાયો નિર્ણય
- જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓના વેપારીઓને રાહત
વલસાડ: કપરાડાના છેવાડાના અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા સુથારપાડા ગામમાં અનેક લોકો દરરોજ આવન-જાવન કરતા હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે ત્યારે એવા સમયે કોરોના સંક્રમિત લોકો સુથારપાડામાં ન પ્રવેશે અને કોઈને સંક્રમણ ન થાય તે હેતુને ધ્યાને લઇ સુથારપાડા ગામની ગ્રામ પંચાયત દ્વારા પણ પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
બજારો સ્વયંભૂ બંધમાં સજ્જડ બંધ રહ્યા
કોરોનાની બીમારીનું વધતું જતું સંક્રમણ રોકવા માટે લોકડાઉન સિવાય ઉત્તમ ઉપાય કોઈ નથી. જેને હવે ગ્રામીણ કક્ષાના લોકો પણ સમજતા થઈ ગયા છે. આ ગંભીર બીમારીની ચેઇનને તોડવા માટે સુથારપાડા ગામમાં લોકડાઉનનો અમલ પણ શરૂ થઇ ગયો છે ત્યારે આજે લોકડાઉનના બીજા દિવસે બજાર સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યા હતા. દુકાનદારોએ પોતાની તમામ દુકાનો બંધ રાખી હતી અને મુખ્ય માર્ગો પણ સુમસામ જોવા મળ્યા હતા.
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને પરવાનગી
આ લોકડાઉનમાં જો કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને મુક્તિ આપવામાં આવી હતી. જ્યારે બાકીની તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી. મહત્વનું છે કે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ છેવાડાનું ગામ હોવાથી નાસિકથી આવતા મોટાભાગના લોકો પ્રથમ આ ગામમાં જ પ્રવેશે છે અને ત્યાં ગામના પ્રવેશ આગળ જ બજાર આવેલું છે ત્યારે આ બજારમાં લોકો નાની-મોટી ખરીદી કરવા માટે ઉતરતા હોય છે આવા સમયે અહીં સંક્રમણ ફેલાવાનો ભય સૌથી વધુ રહે છે આવા ભાઈ ને ધ્યાને લઇ ગ્રામ પંચાયત દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે જેને લોકો આવકારી રહ્યા છે અને દુકાનદારોએ પણ સહયોગ આપ્યો છે.