શહેરમાં મંગળવારના રોજ કન્સ્ટ્રકશન સાઇટ પર ફાયરિંગ થયું હતું. સલવાવ ગામે જૂનો સર્વે નંબર 90 તથા નવા સર્વે નંબર 64ની કરોડો રૂપિયાની જમીન જશુમતિ ઉર્ફે જશોદાબેન ચંદ્રકાન્ત માહ્યાવંશીના નામે વારસાઇમાં ચાલી આવે છે. આ જમીનની માલિકી માટે મંગળવારે એક પાર્ટીએ 8થી 10 માણસો બોલાવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ફાયરીંગની ઘટના બાદ સલવાવના જશુમતિ ઉર્ફે જશોદાબેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સર્વે નંબર 90 તથા નવા સર્વે નંબર 64ની જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવા માટે વર્ષ 2010માં સલવાવના અજય કેશવભાઇ પટેલને જમીનમાં વારસાઇથી નામ દાખલ થયેલા તમામ લોકોએ સર્વસંમતિથી પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હતો. જોકે, આ પાવર ઓફ એટર્નીના આધારે વાપીના પ્રવિણ રાયચંદ શાહને વેચાણે આપી દીધી હતી. જોકે, ફરિયાદી અને જમીનના અન્ય હક્કદારોએ વાપી મામલતદાર કચેરીમાં વાંધા અરજી આપતા દસ્તાવેજ થઇ શક્યા ન હતા. બીજી તરફ આ જમીન ફરિયાદીએ વાપીના પ્રવિણ કેશવજી મણકાને વેચાણે આપી દીધી હતી.