ધરમપુર ઓઝરાળા ખાતે વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલી વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ કે જેની વિવિધ ખાદ્ય બનાવટને લાખો લોકો ટેશથી આરોગતા હોય છે. તેઓના સ્વાસ્થય સાથે ચેડા થઇ રહયાની અત્રેના પ્રાંત અધિકારી રવિન્દ્ર ખતાલે, ચીફ ઓફિસર જે.વી.પરમાર, મામલતદાર જી.જી.તડવી, તેમજ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કુનબીએ હાથ ધરેલી તપાસમાં પ્રાથમિક તબકકે ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
અધિકારીઓએ એકમની ખુલ્લી જગ્યામાં બનાવાયેલા કેટલાક ગેરકાયદેસર બાબુ અને પ્લાસ્ટીક વડે બનાવાયેલા ટેન્ટોમાં સ્ટોરેજ કરવામાં આવેલી કેરીઓની ચકાસણી હાથ ધરતા હજારો મણ સડેલી કેરીઓ જોવા મળી હતી. જો કે આ તબક્કે કંપનીના મેનેજરે લૂલો બચાવ કરતા જણાવ્યુ હતું કે, અહીંથી કેરીઓ શોર્ટીંગ કર્યા બાદ તેનો વપરાશ કરવામાં આવે છે પરંતુ, યુનિટમાં કરાયેલી ચકાસણીમાં કેરેટોમાં છાલ વિનાની કેરીના ટૂકડાઓમાં બગડેલી કેરીઓનો વપરાશ કરાય રહ્યાનું જણાયુ હતું. જ્યારે રસ કાઢવાના મીલીંગ મશીન ઉપર પણ સડેલી કેરીઓ જોવા મળી હતી.
વલસાડમાં ખાનગી કંપનીમાં ફાયર સેફ્ટીની ચકાસણીમાં ત્રુટીઓ સામે આવી ચકાસણી દરમ્યાન યુનિટમાં ખૂણે ખાંચરે ગંદકી અને દુર્ગંધની પણ અધિકારીઓએ નોંધ લીધી હતી. 500 ઉપરાંત કામદારો અને 130 ઉપરાંત વહીવટી કર્મચારીઓ જયાં કામ કરી રહ્યા છે એવા આ એકમમાં ફાયર સેફટીમાં નામ પૂરતા ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા હતા. જ્યારે ટ્રેમાં ગોઠવાયેલા સમોસાની આસપાસ પાનની પીચકારીઓના ડાઘાઓએ સ્વચ્છતાનો બેનમૂન નમૂનો પૂરો પાડયો હતો. જેને મેનેજરે નફફટાઇ ભરી રીતે હયુમન એરર ગણાવી હતી. કેરેટોમાં મૂકાયેલા ફલાવરોમાં કાળા કલરના મસમોટા તંદુરસ્ત કીડાઓનો પરિવાર પરીભ્રમણ કરી રહ્યો હતો.
આ એકમમાં કેટલીક રૂમો પણ ગેરકાયદેસર બાંધવામાં આવી હોવાનું અધિકારીઓની પૂછપરછ દરમ્યાન બહાર આવ્યુ હતું. જયારે મુખ્ય તેમજ અન્ય બિલ્ડીંગોના બાંધકામોની પણ અપાયેલી પરવાનગીમાં 40 ટકા કરતા વધૂ બાંધકામ કરવામાં આવ્યું હોય તો તેની ચકાસણી કરવા પ્રાંત અધિકારીએ ચીફ ઓફિસરને સૂચના આપી હતી. આ સાથે તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને કુન્બીને પણ વિવિધ સેમ્પલો લઇ તેની લેબોરેટરીમાં ચકાસણી કરાવવા તાકીદ કરી હતી. અત્રે ઉલ્લ્ખનીય છે કે, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ કેરી, સમોસા, પરોઠા તેમજ વેજીટેબલને ફ્રોઝન કરી તેનું એક્ષ્પોર્ટ પણ કરી રહી છે. વહીવટી તંત્રની રહેમ નજર તળે ચાલતા વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની સુરતના હદયદ્રાવક બનાવને લઇ હરકતમાં આવેલા તંત્રએ કરેલી ચકાસણીમાં પ્રાથમિક તબક્કે અનેક ગંભીર ક્ષતિઓ બહાર આવી છે ત્યારે તેને સીલ કરવામાં આવશે કે કેમ તેવા સવાલો લોકોમાં ચર્ચાય રહ્યો છે.
સમગ્ર બાબતે ધરમપુર પ્રાંત અધિકારી રવિન્દ્ર ખટાલે એ જણાવ્યું કે, તેઓ ફાયર સેફટી બાબતે કંપનીમાં મામલતદાર પાલિકા સીઓ અને ફૂડ અધિકારી સાથે પોહચ્યા હતા જ્યાં સ્વચ્છતાનો અભાવ ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું હાલ તો કંપની માંથી સેમ્પલો લઈ ઉચ્ચસ્તરે રિપોર્ટ કરવામાં આવશે. હાલ કંપની જે શોકોઝ નોટિસ આપી 7 દિવસમાં ફાયર સેફટી ના સાધનો વસાવી ને NOC મેળવી લેવા નોટિસ આપી હતી. જોકે, કંપનીમાં આજ દિન સુધી ફૂડ વિભાગના કોઈ કર્મચારીએ સુધ્ધાં વિઝીટ ન કરી હોવાનું ત્યારે બહાર આવ્યું જ્યારે વિઝીટ રજીસ્ટર પ્રાંત અધિકરીએ મંગાવ્યું હતું.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ એન્ડ સેફટી વિભાગ સુષુપ્ત અવસ્થામાં જણાય છે માત્ર મહિનામાં એકલ ડોકલ કેસ કરી ને પોતાની કામગીરી પૂર્ણ કરી દેવતી હોય છે લોકોના આરોગ્યનું પછી જે થવું હોય તે થાય.