વલસાડ:સુગર ફેકટરી નજીકમાં આવેલી મણિબા કોમ્પ્લેક્સમાં આવેલી મેડિકલ સ્ટોરમાં અચાનક શોટ સર્કિટને કારણે આગ લાગતા દુકાનમાંથી લોકો બહાર નીકળી આવ્યા હતા. અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી અન્ય દુકાનોને પણ પોતાની ચપેટમાં લેતા જોત જોતામાં આગની જ્વાળા ફેલાઈ હતી.
5થી વધુ ફાયર ઘટના સ્થળે પહોંચી એક વ્યક્તિનું મોત:અચાનક બનેલી આગની ઘટનાને પગલે દુકાનમાં કામ કરી રહેલા અને દુકાનમાં આવનારા અનેક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. એક દુકાનની અંદર કામ કરી રહેલો યુવક આગને પગલે ગભરાઈ જતા બહાર નીકળવાને બદલે દુકાનની અંદર રહી શટર અંદરથી બંધ કરી દીધું હતું. જેને પગલે તેનું આગને કારણે મોત નીપજ્યું હતું. મૃતકની કૈલાસ રોડ ઉપર રહેતા સ્મિત દેસાઈ તરીકે ઓળખ થઇ છે.
બે લોકો ઈજાગ્રસ્ત:મણીબા કોમ્પ્લેક્સમાં લાગેલી આગની ઘટનાને પગલે વલસાડ નગરપાલિકા ફાયર વિભાગ અને અતુલ ફાયર સ્ટેશનને જાણ થતા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી. આગને કાબુમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી: વલસાડ સુગર ફેક્ટરી નજીક બનેલી આગની ઘટનામાં એકનું મોત થયાની ખબર પોલીસને થતા અને આગ જેવી ગંભીર ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગને કાબુમાં લીધા બાદ શટર ખોલી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
- Ahmedabad News: વટવા GIDC કેમિકલ કંપની લાગી આગ, મોટી જાનહાનિ થતા અટકી
- Punjab Chemical Factory Fire: મોહાલીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકો દાઝ્યા