વલસાડઃ જિલ્લાના વાપી GIDCમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહ ગોહિલ અને તેના કૌટુંબિક ભાઈ પર 10 થી 12 જેટલા અજાણ્યા ઈસમોએ વાપી નજીક ટુકવાડા ગામે કારમાં તોડ ફોડ કરી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે.
સમગ્ર ઘટના અંગે વલસાડ DYSP એમ. એન. ચાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી બુધવારે રાત્રીના પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ટુકવાડા હાઇવે ઉપર તેમની ગાડીને રોકી 10 થી 12 જેટલા અજાણ્યા ઈસમોએ હેડ કોન્સ્ટેબલ તથા તેમના ભાઈ કુલદિપસિંહ ગોહીલને લોખંડના પાઇપ તેમજ લાકડી વડે ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં હેડ કોન્સ્ટેબલની સ્કોર્પિયો પણ લૂંટી લીધી હતી અને તેમની અન્ય ગાડીમાં બેસાડી સલવાવ સુધી અપહરણ કરી લઈ જઈ હેડ કોન્સ્ટેબલના મોઢામાં રિવોલ્વોરનું નાળચું મૂકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બિગ બજાર પાસે તેમને ફેંકી હુમલાખોરો નાસી છૂટયા હતા. ઘવાયેલા હેડ કોન્સ્ટેબલે 100 નંબર ઉપર ડાયલ કરતાં વાપી ટાઉન પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અને બંનેને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.