વલસાડ : જિલ્લામાં દરિયાઇ વિસ્તારમાં તિથલ સિવાયના પણ અનેક એવા બીચ છે. જેનો વિકાસ કરવામાં આવે તો વલસાડ જિલ્લો દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પામી શકે તેમ છે. તેમાં પણ ઉમરગામ તાલુકાનો નારગોલ બીચ અને સપાટ દરિયાકિનારો ગુજરાતના જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. દરિયાકિનારે પાયાગત સુવિધાઓના અભાવે આ વનરાજીથી ઘેરાયેલો, પરંતુ ઘૂઘવતો સાગરકાંઠો બંજર બની રહ્યો છે. જેને આગામી દિવસોમાં સરકાર વધુ બંજર બનાવવા તલપાપડ બની છે. અહીં આગામી દિવસોમાં એક છેડે કાર્ગો પોર્ટ અને બીજા છેડે મત્સ્ય બંદર બનાવવામાં આવશે.
ડિસ્કવર ઇન્ડિયા : શાંતિની પળો માટે પ્રવાસીઓમાં જાણીતો છે વલસાડ જિલ્લાનો આ નારગોલ બીચ ઉમરગામ તાલુકો પ્રવાસન ધામ ગણાતા સંઘપ્રદેશ દમણ અને સેલવાસની મધ્યમાં મહારાષ્ટ્રને જોડતો તાલુકો છે. અહીંનો દરિયાકિનારો ખૂબ સુંદર છે. નારગોલ, સરોડા, ખતલવાડાનો દરિયા કિનારો ઉત્તમ બીચ છે. અનેક પ્રવાસીઓ માટે પિકનિક પોઇન્ટ બની રહ્યો છે તો અહીંની સુંદરતાને સિરિયલ અને ફિલ્મોમાં કચકડે મઢવા અવારનવાર ફિલ્મી કલાકારોનો કાફલો શૂટિંગ માટે આવતો હોય છે. એશિયામાં કેરળ બાદ નારગોલનો દરિયા કિનારો સ્વચ્છ દરિયા કિનારો હોવાનો સર્વે થયો છે, પરંતુ આ સુંદર બીચને વિકસાવવાને બદલે માત્ર શરૂના વૃક્ષ રોપી સંતોષ માન્યો છે. કોઈ સુવિધા નથી. જો બીચ પર બેસવાની, ખાણીપીણીની, હોટેલની સુવિધાઓ સાથે સારા રોડ અને લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવે તો દમણના દરિયા કિનારે આવતા પ્રવાસીઓ અહીં પણ સાહેલગાહે આવે કેમ કે અહીં આવતા પ્રવાસીઓને મન આ સ્થળ એકાંતવાળું છે. કુદરતના સાનિધ્યમાં સમાધિ લીન થવા માટે જોઈએ તેટલું શાંત અને રમણીય છે. ડિસ્કવર ઇન્ડિયા : શાંતિની પળો માટે પ્રવાસીઓમાં જાણીતો છે વલસાડ જિલ્લાનો આ નારગોલ બીચ નારગોલ બીચનો સુંદર દરિયાકિનારો વર્ષોથી પ્રવાસન વિભાગના નકશામાં સામેલ થવા મથી રહ્યો છે, પરંતુ પ્રવાસન વિભાગ અને ફોરેસ્ટ વિસ્તારના વિવાદમાં પ્રવાસન સ્થળ તરીકે અવિકસિત રહ્યો છે. આટલો સુંદર રળિયામણો દરિયાકાંઠો એકલ-દોકલ પ્રવાસીઓ પૂરતો સીમિત છે. ડિસ્કવર ઇન્ડિયા : શાંતિની પળો માટે પ્રવાસીઓમાં જાણીતો છે વલસાડ જિલ્લાનો આ નારગોલ બીચ ઉલ્લેખનીય છે કે, સરકાર અને તેમના પ્રધાનો એક તરફ ગુજરાતને ટુરિઝમ હબ બનાવવા માગે છે, ત્યારે નારગોલના દરિયાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાને બદલે કાર્ગો પોર્ટ તરીકે વિકસાવવામાં રચ્યા છે. જેનાથી આગામી દિવસોમાં આ સુંદર બીચનું નામોનિશાન મટી જશે અને પ્રવાસીઓ માટે પ્રવાસન સ્થળ તરીકેનું એક સ્થળ કાયમ માટે લુપ્ત થશે.