વલસાડ: કપરાડા તાલુકાના જીરવલ ગામેથી વહેતી કોલક નદી ઉપર માની ફળીયાને જોડતો ચેકડેમ કમ કોઝવે આજથી 12 થી 15 વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યો હતો. પરંતુ નદીમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આવતા પૂરને પગલે બ્રિજ બન્યા બાદ બંને તરફ ધોવાણ થઇ જતું હોય છે. ગત વર્ષે પણ કોલક નદીમાં આવેલા પુરને કારણે માની ફળિયા તરફથી બ્રિજના છેડાનું એક તરફનું ધોવાણ થઈ ગયું હતું.
કપરાડા તાલુકાના કોલક નદી પર બનેલો બ્રિજ ધોવાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો - valsad news
વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુર અને કપરાડા તાલુકામાં નોંધાયો છે. ત્યારે કપરાડા તાલુકાના જીરવલ ગામે માની ફળીયાને જોડતો કોલક નદી પર બનેલો ચેકડેમ કમ કોઝવે એક તરફથી ધોવાઈ જતા માની ફળીયાના લોકોને જીવના જોખમે બ્રિજ ઉપરથી પસાર થવાની ફરજ પડી છે. ગત વર્ષે ધોવાણ થયા બાદ તંત્ર દ્વારા માત્ર માટી નાખી પુરાણ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે ફરીથી ધોવાઈ ગયું છે.

જેના કારણે બ્રિજ ઉપરથી જ હાલ લોકો જીવના જોખમે આવન-જાવન કરી રહ્યા છે. બ્રિજના ધોવાણ બાબતે ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સુધી લોકોએ અનેક વાર મૌખિક ફરિયાદ કરી છે. પરંતુ તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આજે પણ પરિસ્થિતિ યથાવત છે. લોકો આજે પણ માત્ર એક બ્રિજની દિવાલ ઉપરથી જીવ હાથમાં લઈને પસાર થાય છે. ચોમાસા દરમિયાન જો માની ફળિયામાં કોઈકની તબિયત બગડે તો એવા સમયે લોકોએ માંદા માણસને પણ હોસ્પિટલ લઇ જવું મુશ્કેલ બન્યું છે.
મહત્વનું છે કે, દર વર્ષે બનતી બ્રિજ ધોવાની આ ઘટના અંગે વહીવટીતંત્ર અજાણ નથી. છતાં પણ દર વર્ષે અહીં આગળ માત્ર વૈકલ્પિક કામો જ કરવામાં આવે છે. જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થઈ જતો હોય છે. આજે પણ માની ફળિયામાં આ બ્રિજ ઉપરથી કાર લઈને પસાર થવું એ માત્ર એક દિવાસ્વપ્ન સમાન બન્યું છે.
જ્યારે માની ફળિયામાં 2000 થી વધુ ઘરો આવેલા છે અને અહીંના તમામ લોકોને પોતાના કામ ધંધા અને રોજગાર અર્થે કોલક નદીના આ બ્રિજને પાર કરી સામે પાર મુખ્ય રોડ ઉપર જવાની રોજિંદા ફરજ પડે છે. એટલે કે, આ ધોવાયેલો બ્રિજ હોવા છતાં જીવના જોખમે લોકોએ એક જ દીવાલની પગદંડી ઉપરથી પસાર થઈને સામે પાર જવું પડે છે. ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે, ધોવાઇ ગયેલો આ બ્રિજ ફરીથી યોગ્ય રીતે દુરસ્ત કરવામાં આવે, જેથી લોકોને આવન-જાવન માટે પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળે.