નારગોલ: નિસર્ગની અસર હવે રહી રહીને વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તાર પર પડી રહી છે. જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ સહિત તડગામ, સરોન્ડા ગામોના કાંઠે હાલ દરિયાઇ ધોવાણની સમસ્યા ઉદ્દભવી છે. દરિયા કિનારે સુરક્ષા દિવાલ નિર્માણ કરવાની લોક માંગ વર્ષોજુની હોવા છતાં પણ આ અંગે તંત્રની ઉદાસીનતાને જોઈ હવે ગામના લોકો જાતે જ ગામનું ધોવાણ અટકાવવામાં પાળા બનાવવા સહિતની કામગીરી કરી રહ્યા છે.
નારગોલના દરિયા કિનારે દરિયાઈ ભરતીમાં કિનારા પર થયું ધોવાણ - નારગોલ દરિયા કિનારો
વલસાડ જિલ્લાના નારગોલ બંદર ખાતે નિસર્ગ વાવાઝોડા બાદ વાતાવરણમાં આવેલા પલટાથી દરિયો તોફાની બન્યો છે અને દરિયાના ઉછળતા મોજાના કારણે કાંઠા વિસ્તારમાં ભારે ધોવાણ થયું છે. નારગોલ ગામના નવા તળાવ સ્મશાન ભૂમિમાં દરિયાઇ મોજાના કારણે કમ્પાઉન્ડની પાળને નુકસાન થતા સ્થાનિક લોકોએ સ્મશાન ભૂમિને બચાવવા જાતે જ પાળા બનાવવાની કામગીરી હાથ ધરી છે.
નારગોલના દરિયા કિનારે દરિયાઇ ભરતીમાં વ્યાપક ધોવાણ થયું છે. તેવું માજી સરપંચ યતિન ભંડારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, સ્મશાન ભૂમિમાં કમ્પાઉન્ડની પાળને વ્યાપક નુકસાન સાથે દરિયો વર્ષોથી આગળ વધી રહ્યો છે. આ કારણ ગ્લોબલ વોર્મિંગ પણ હોય શકે છે. કારણ કે, હાલમાં દરિયામાં આવેલી મોટી ભરતીમાં અંતિમધામની જમીન ઉપરાંત ફોરેસ્ટ હસ્તકની જમીનનું પણ ધોવણ થતા વૃક્ષો ધરાશાયી થયા છે.
ચોમાસાની શરૂઆત થતાં જ દરિયામાં તોફાન વધ્યું છે. દરિયામાં મોટી ભરતી આવી રહી છે. જે દર વર્ષની જેેેમ આ વર્ષે પણ ઉમરગામ તાલુકાનાં નારગોલ, તડગામ, સરોન્ડા જેવા ગામોને મોટાપાયે નુકસાન પહોંચાડી રહી છે. ગામોમાં જ્યાં દરિયાઇ ભરતીના પાણીથી ધોવાણની સમસ્યા હતી. ત્યાં પ્રોટેક્શન વોલ માટે અનેક રજૂઆતો બાદ ગામ લોકોએ જાતે જ પ્રોટેક્શન વોલ બનાવી છે.
મહત્વનું છે કે, ફરી એકવાર ગામ લોકોએ તાત્કાલિક પથ્થરોની પાળ નિર્માણ કરી સ્મશાન ભૂમિને થતા મોટા નુકસાનથી બચાવ્યું છે. પરંતુ, વહેલી તકે સુરક્ષા દિવાલ નહીં બને તો સ્મશાન ભૂમિની સાથે આસપાસના ગામની જમીન ધોવાણ સાથે વ્યાપક નુકશાન થવાની ભીંતિ સેવાય રહી છે.