ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના ડોક્ટરની અનોખી સિદ્ધિ 1 વર્ષમાં ઓપન હાર્ટ સર્જરીમાં કર્યા 100 સફળ ઓપરેશન

વલસાડઃ વાપી સમગ્ર દેશમાં ઔદ્યોગિક વિસ્તાર ધરાવતું વાપી હવે મેડિકલ ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ત્પારે વાપીમાં આવેલ હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડૉ. કલ્પેશ મલિકે એક વર્ષમાં 100 સફળ ઓપન હાર્ટ સર્જરીના ઓપરેશન કરી આ સિદ્ધિ મેળવી હતી. સોમવારે 108માં સફળ ઓપરેશન બાદ ડૉ. કલ્પેશ મલિકે ETV ભારત સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેમનું સપનું વાપીની આ હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પૂરી પાડવાનું છે.

By

Published : Jun 4, 2019, 6:20 AM IST

vapi

હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ વાપી ખાતે હાલમાં જ 100 સફળ કાર્ડિયો વાસ્ક્યુલર અને થોરાસીસ સર્જરીઓ તથા સૌથી જટિલ ઓપન હાર્ટ સર્જરીઓ પૂરી કરવામાં આવી છે. વાપી અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આ એક ગૌરવભરી વાત છે. આ નિમિત્તે ડોક્ટર કલ્પેશ મલિકે ETV ભારત સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ વાપી ખાતે કરવામાં આવેલ સૌથી જટિલ ઓપન હાર્ટ સર્જરીઓમાં બાયપાસ અને વાલ્વ્યુલર સર્જરીઓ, રી-ડુ કાર્ડિયાક સર્જરીઓ, કમ્પોઝિટ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરીઓ અને ચાલીસ બાળકોની સર્જરીઓનો સમાવેશ થાય છે.

હાલમાં આ આંકડો 108 પર પહોચ્યો છે અને આવનારા 6 મહિનામાં 200 જેટલા સફળ ઓપરેશન કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતા ડો. કલ્પેશ મલિકે જણાવ્યું હતું કે, વાપીમાં ઓપન હાર્ટ સર્જરીની શરૂઆત કર્યા બાદ જે સફળતા મળી છે તે ખૂબ જ ખુશીની વાત છે. અહીં, સુરત અને મુંબઈ જેવા શહેરોની અધ્યતન હોસ્પિટલોએ નકારી દીધેલા ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં સમગ્ર દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રમાંથી દર્દીઓ આવ્યા છે. તે તમામના સફળ ઓપરેશન કરી તેમને તંદુરસ્ત કરી પરત ઘરે મોકલ્યા હતા. આ સિદ્ધિ તેમના માટે ઈશ્વરીય વરદાન સમાન છે. 100 જેટલા ઓપરેશનોમાં 40 જેટલા ઓપરેશનો નાના બાળકો પર કરવામાં આવ્યા છે. તે તમામ પણ સફળ રહ્યા છે.

વાપીના ડોક્ટરની અનોખી સિદ્ધિ 1 વર્ષમાં ઓપન હાર્ટ સર્જરીમાં કર્યા 100 સફળ ઓપરેશન

ડોક્ટર કલ્પેશ મલિકે વધુમાં જણાવ્યું હતું કે, હૃદયની બીમારીના દર્દીઓમાં મોટેભાગે બીડી-સિગારેટનું વ્યસન, ખાનપાનમાં બેકાળજી અને રોજીંદી કસરતના અભાવે આ સમસ્યા ઉદ્ભવે છે. માટે લોકોએ બીડી-સિગારેટના વ્યસનને ત્યજી ખાનપાનમાં સુધારો લાવી પરસેવો નીકળે તેવી કસરતો કરવી જોઈએ. જ્યારે, બાળકોમાં સર્જાતી આ ખામી અંગે જણાવ્યું હતું કે, આ કોઈ આનુવંશિક રોગ નથી. પરંતુ, સગર્ભા સ્ત્રીઓમાં ગર્ભ વખતે સર્જાતી ખામીથી હૃદયની ખામીવાળા બાળકોનો જન્મ થાય છે.

તેમજ ઓપરેશનના ખર્ચ અંગે ડોક્ટર મલિકે જણાવ્યું હતું કે, મુંબઇમાં થતા ખર્ચ કરતા 25 ટકાના ખર્ચમાં જ અને સુરતમાં થતાં ખર્ચના 50% ખર્ચમાં જ અહીં સફળ ઓપરેશન કરવામાં આવે છે. હાલમાં સરકાર દ્વારા કાર્ડ અને આયુષ્યમાન યોજના અમલમાં મૂકવામાં આવી હોય મોટાભાગના દર્દીઓને આ લાભ મળ્યો છે. કુલ 100 ઓપરેશનમાં 75 જેટલા ઓપરેશનનો ખર્ચ આ યોજના થકી કરવામાં આવ્યો છે એટલે કે એ તમામ દર્દીઓના ઓપરેશન ફ્રી માં જ કરવામાં આવ્યા છે.

પોતાની આ સિદ્ધિને વધુ મહત્વની સિદ્ધિ ગણવાને બદલે ડોક્ટર કલ્પેશ મલિકે જણાવ્યું હતું કે, તેમની આ સિદ્ધિ કરતાં પણ મોટું સપનું છે અને તે સપનું છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની અને આવનારા દિવસોમાં આ સપનું પણ તે પૂરું કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હરિયા એલ.જી.હોસ્પિટલમાં સાક્ષી હળપતિ નામની છ વર્ષની બાળકીનું ડોક્ટર કલ્પેશે હાલમાં જ સફળ ઓપરેશન કર્યું હતું.

આ બાળકીના પિતા અજય હળપતિ અને બાળકીની માતાએ પોતાની આંખમાં ખુશીના આંસુ સાથે જણાવ્યું હતું કે, પોતાની બાળકીની સારવાર માટે તેઓ સુરત, મુંબઈ, સેલવાસ અને દમણની હોસ્પિટલમાં ગયા હતાં. પરંતુ, તે બાદ તેઓ આ હોસ્પિટલમાં આવ્યા અને અહીંના ડોક્ટરે તેમને દીકરી ઠીક થઈ જશે તેમ જણાવી ઓપરેશનના ખર્ચ માટે આયુષ્માન કાર્ડ યોજના હેઠળ ફ્રી માં જ પોતાની બાળકીનું સફળ ઓપરેશન કર્યું છે. આ માટે અમે નોકરીયાત પરિવાર સરકાર તેમજ ડોક્ટરનો ખૂબ જ આભાર માનીએ છીએ.

ડૉ. કલ્પેશ મલિક હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ ખાતે મુખ્ય કાર્ડિયાક સર્જન છે. 22 વર્ષના અનુભવમાં તેમણે 8500થી વધારે સફળ ઓપન હાર્ટ સર્જરીઓ કરી છે. જેમાં 3000થી વધારે સર્જરીઓ નાના બાળકો પર કરવામાં આવી છે. વાપી જેવડા નાનકડા શહેરમાં 100 જેટલા ઓપરેશનો થયા છે. તેનો શ્રેય હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલના મેનેજમેન્ટને આભારી છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ સગવડો અને સ્ટાફ ઉપલબ્ધ થવાથી જ આ શક્ય બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details