- ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે
- કામદારો વતન પરત ફર્યા નથી
- મોટા નુકસાનનો ડર ઉદ્યોગકારોને નથી
વલસાડ: જિલ્લામાં કોરોનાની બીજી લહેરે લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. ત્યારે આ કપરો સમય ઉદ્યોગકારો માટે પણ કઠિન સમય છે. જો કે તેમ છતાં ગયા વર્ષના લોકડાઉનની સરખામણીએ આ વખતે ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. કામદારો વતન પરત ફર્યા નથી એટલે કોઈ મોટા નુકસાનનો ડર ઉદ્યોગકારોને નથી તેવું દક્ષિણ ગુજરાતના વલસાડ અને સંઘપ્રદેશ દમણના ઉદ્યોગકારો માની રહ્યા છે.
તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી
વલસાડ જિલ્લામાં વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC અને દમણમાં અનેક નાના-મોટાં ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. જો કે ગયા લોકડાઉનમાં આ તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી. જ્યારે આ વખતે કોરોનાની બીજી લહેરમાં હજુ સુધી ઉદ્યોગો માટે કોઈ મોટું નુકસાન થયું નથી. હા, આ સમય કઠિન જરૂર છે. એટલે એને લઈને નાના-મોટાં ઇસ્યુ જરૂર ઉભા થયા છે અને એ માટે સરકાર પ્રેક્ટિકલ બનશે તો તે પણ દૂર થઈ જશે તેવી આશા ઉદ્યોગકારોએ સેવી છે.
રો-મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા-મૂકવામાં કોઈ જ તકલીફ
હાલની મહામારી દરમિયાન ઉદ્યોગોમાં કેવી તકલીફ છે. તે અંગે ETV Bharat વાપી, ઉમરગામ, સરીગામ અને દમણના ઉદ્યોગકારો સાથે ટેલિફોનિક વાત કરી હતી. જેમાં ઉમરગામના ઉદ્યોગકાર તાહિર વ્હોરાએ જણાવ્યું હતું કે, ઉમરગામ GIDCમાં રો-મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા મૂકવામાં કોઈ જ તકલીફ નથી. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહી છે. જો કે કેટલાક ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો વતન જતા રહ્યા છે. કેટલાક ઉદ્યોગોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવું પડી રહ્યું છે એટલે ઉત્પાદનમાં થોડી ઘણી ઘટ વર્તાઈ રહી છે પરંતુ તેનાથી ઉદ્યોગોને કોઈ મોટું નુકસાન થયું નથી.
ઉદ્યોગો માટે કોઈ જ તકલીફ ઊભી થઈ નથી
એ જ રીતે વાપી GIDCમાં આરતી કેમિકલના હેમાંગ નાયક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ઉદ્યોગો માટે ખૂબ જ રાહત રહી છે. ગયા વર્ષે લોકડાઉનમાં ઉદ્યોગોને પણ બંધ કરવામાં આવ્યા હતાં. મટિરિયલ્સ પણ અટક્યું હતું. કામદારો પણ પોતાના વતન જતા રહ્યા હતા. આ વખતે ઉદ્યોગો ચાલુ રહ્યા છે. કામદારોનું પણ સ્થળાંતર થયું નથી એટલે ઉદ્યોગો માટે કોઈ જ તકલીફ ઊભી થઈ નથી.
આ દિવસો પણ નીકળી જશે તે આશા સાથે બધા કામ કરી રહ્યા છે
વધુમાં આ વખતે મોટા ઉદ્યોગોમાં જે કામદારો કામ કરે છે. તેને એક દિવસ કામ પર બોલાવે બીજે દિવસે તેની રજા હોય અને જે કામદારોને રજા આપી હોય તેવા કામદારોને બીજે દિવસે એમ ઑલ્ટરનેટ ડે બોલાવવામાં આવે છે. એટલે કામદારોમાં સંક્રમણ અટક્યું છે. ડરનો માહોલ જોવા મળતો નથી. દરેક નાના-મોટાં ઉદ્યોગોમાં જરૂરી ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. નાઈટ કરફ્યૂ દરમિયાન પણ કામદારોની કનડગત કરવામાં આવતી નથી. કંપનીના આઈકાર્ડ અને જરૂરી પુરાવા સાથે ઉદ્યોગોમાં કામદારો આવાગમન કરી શકે છે. પેમેન્ટ અને ઓર્ડર અંગે જ્યારથી કોવિડ પિરિયડ શરૂ થયો છે. ત્યારથી થોડીઘણી તકલીફ આવી છે. પેમેન્ટ થોડું ઘણું મોડું આવે છે. જેની સામે જ્યાં પેમેન્ટ ચૂકવવું પડે છે. તે પણ સહકાર આપે છે. એટલે એમાં આ વખતે માનવીય અભિગમ કેળવાયો હોય તેવું જોવા મળે છે. ક્યાંય કોઈનું કામ અટકતું નથી. જે થોડી ઘણી તકલીફ પડી રહી છે. તેમાં આ દિવસો પણ નીકળી જશે તે આશા સાથે બધા કામ કરી રહ્યા છે.